સોલિસિટર વગર પત્ની સાથે કોઈપણ રીતે સંપર્ક નહીં કરવાનો કોર્ટનો આદેશ
બ્રિટનના લેસ્ટરમાં નશામાં ધૂત ભારતીય મૂળના એડવટૉઇઝિંગ એક્ઝિક્યુટિવ જયેશ શર્માને નાણા સંબંધિત તકરારમાં પત્નીને માથામાં ચપ્પાથી બે ઘા ઝીંકવા બદલ કોર્ટે ૧૬ મહિનાના કારાવાસની સજા ફટકારી છે અને સોલિસિટર વગર પત્ની સાથે કોઇ પણ રીતે સંપર્ક નહીં કરવાનો આદેશ આપ્યો છે. જયેશની પત્નીને ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સદનસીબે જયેશની પત્નીને ગંભીર ઇજાઓ થઇ ન હતી અને તેણી બચી ગઇ હતી. ૪૪ વર્ષીય જયેશે તેના સંતાનો અને પોતાની માતાની ઉપસ્થિતિમાં ૩૦મી ઓક્ટોબરે પત્નીને માથામાં ચપ્પાના ઘા ઝીંક્યા હતા.
ઝપાઝપીમાં જયેશની પત્નીને ગળાના ભાગમાં ઉઝરડા અને મોઢા પર પણ ઇજાઓ થઇ છે. જયેશની દારૂની લતને કારણે પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ હતી. જયેશે તેની પત્નીના માથામાં ચપ્પાથી ઘા ઝીંક્યા પછી તેની માતાએ તેની પાસેથી ચાકુ છિનવી લીધું હતું. જયેશ શર્મા થર્મ્સટનની રાઉન્ડહિલ કોમ્યુનિટી કોલેજના માજી સંચાલક છે અને એક સ્થાનિક અગ્રણી દૈનિક લેસ્ટર મર્ક્યુરીમાં એડવટૉઇઝિંગ એક્ઝિક્યુટિવ તરીકે પણ તેમણે નોકરી કરી છે.
પ્રોસિકયુટિંગ વકીલ વિક્ટોરિયા રોસે જણાવ્યું કે, પત્ની સાથે તકરાર વખતે જયેશે તેના ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું હતું અને પત્નીના માથામાં ઘા કર્યા હતા. જયેશને સજા ફટકારતા જજે જણાવ્યું કે, સંતાનો અને માતાની ઉપસ્થિતિમાં જયેશે પત્નીને ચપ્પાના ઘા ઝીંક્યા હોવાથી તેઓએ પણ ઘટના વિશે જુબાની આપવી પડશે.