વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે સામે બળાત્કારના આરોપમાં પેન્ટાગોનના અધિકારીઓની કોઈ ભૂમિકા હોવાનો પેન્ટાગોને ઈનકાર કર્યો છે. હાલમાં જ સ્વીડન પોલીસે અસાંજે સામે બળાત્કારના કેસમાં ધરપકડ વોરંટ બહાર પાડ્યું હતું, જો કે ત્યાર બાદ વોરંટ પાછુ ખેંચવામાં આવ્યું હતું.
પેન્ટાગોનના પ્રવક્તા બ્રાયન વ્હિટમેને જણાવ્યું હતું કે, કોઈ વિચાર પણ કેવી રીતે શકે કે સુરક્ષા વિભાગ કોઈ આવી પ્રવૃતિમાં શામેલ હશે. નોંધનીય છે કે વિકિલીક્સ દ્વારા ગયા મહિને અફઘાનિસ્તાન યુદ્ધ અંગે અમેરિકાના 92000 જેટલા ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હતાં. જેના ઉપર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પેન્ટાગોને જણાવ્યું હતું કે ગુપ્ત દસ્તાવેજો જાહેર થવાને કારણે અફઘાનિસ્તાનમાં રહેલા હજારો સૈનિકોને નુકસાન થવાની શક્યતા છે.
જો કે ત્યાર પછી પેન્ટાગોને વિકિલીક્સને આ દસ્તાવેજો હટાવી દેવાની સુચના આપી હતી. હાલમાં પેન્ટાગોન તેમજ અમેરિકાનું ન્યાય મંત્રાલય આ કેસ અંગે તપાસ કરી રહ્યું છે. વ્હિટમોરે જણાવ્યું હતું કે અમે આ સ્થિતિને બિલકુલ સ્પષ્ટ કરી દીધી છે. તેમજ અમને આ દસ્તાવેજો બહુ ઝડપથી પાછા મળે તેવી આશા છે. તેમણે જણાવ્યું હતું કે વેબસાઈટ પરથી આવી સામગ્રી હટાવવી જોઈએ તેમજ ભવિષ્યમાં આવી કોઈ ગુપ્ત જાણકારી પ્રસિદ્ધ થવી જોઈએ નહીં. પેન્ટાગોને આ અંગે કોઈ પણ પ્રકારના ષડયંત્રમાં શામેલ નથી.