અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક ટેક્સી ચાલકને પોતાની જાતને મુસલમાન કહેવાની ભારે કિંમત ચૂકવવી પડી હતી. ટેક્સીમાં સવાર વ્યક્તિએ ડ્રાઈવર મુસલમાન હોવાનું જાણીને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ટેક્સી ચાલક અહમદ એચ. શરીફને માઈકલ એનરાઈટ નામના એક વ્યક્તિએ ધારદાર હથિયાર વડે હુમલો કરીને ઘાયલ કરી દીધો હતો. એનરાઈટે શરીફને પુછ્યું હતું કે શું તે મુસલમાન છે? તેનો જવાબ ટેક્સી ડ્રાઈવરે હા કહેતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. એનરાઈટે શરીફ પર હુમલો કરીને તેની ડોક અને ચહેરા પર ઈજા પહોંચાડી હતી.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના લોકો 9/11 આતંકવાદી ઘટનાસ્થળ(ગ્રાઉન્ડ ઝીરો) નજીક એક મસ્જિદ તેમજ ઈસ્લામિક કેન્દ્રની સ્થાપના કરવાનો વિરોધ કરી રહ્યા છે. હુમલા બાદ 21 વર્ષીય એનરાઈટની પોલીસે ધરપકડ કરી છે. તેની સામે નફરતથી જોડાયેલા ગુનામાં હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એનરાઈટ જ્યારે ટેક્સીમાં બેઠો હતો ત્યારે તે નશામાં હતો. મેનહટ્ટન સ્થિત સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સનો વિદ્યાર્થી એનરાઈટ હાલમાં જ અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો પર એક ફિલ્મ બનાવીને પરત ફર્યો છે.