અમેરિકામાં કરાવવામાં આવેલા એક સર્વેમાં માલુમ પડ્યું છે કે મોટા ભાગના અમેરિકનો ન્યૂયોર્કમાં ગ્રાઉન્ડ ઝીરો ખાતે મસ્જિદ બનાવવાના વિરોધમાં છે.
વોશિંગ્ટન પોસ્ટ અને એબીસી દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેમાં માલુમ પડ્યું હતું કે અમેરિકન નાગરિકોનું કહેવું છે કે મેનહટનમાં 11 સપ્ટેમ્બર 2001માં અલકાયદાના હુમલામાં ધ્વસ્ત થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જગ્યાએ ઈસ્લામિક કેન્દ્ર અને મસ્જિદનું નિર્માણ થયું જોઈએ નહીં.
સર્વેમાં ભાગ લેનાર 2/3 લોકોએ મસ્જિદ બનાવવાના વિરોધમાં મત આપ્યો હતો. જ્યારે અમુક લોકોએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ઝીરો ખાતે મસ્જિદ બનાવવામાં આવે તો તેમને કોઈ વિરોધ નથી. જે લોકોએ મસ્જિદ બનાવવાનો વિરોધ કર્યો હતો તેમાંથી 82 ટકા લોકોએ પ્રસ્તાવિત જમીનને તેનું કારણ ગણાવ્યું હતું. જ્યારે 14 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ દેશમાં કોઈ પણ જગ્યાએ આવા બાંધકામનો વિરોધ કરશે.
વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું કે આ નવું પરિણામ ઈસ્લામ પ્રત્યે વધી રહેલા રોષની વચ્ચે આવ્યું છે. અમેરિકામાં 47 ટકા લોકો ઈસ્લામને લઈને તેમના મનમાં પ્રતિકૂળ મત ધરાવે છે. જ્યારે 37 ટકા લોકો ઈસ્લામ પ્રત્યે અનુકૂળ મત ધરાવે છે.
નોંધનીય છે કે અમેરિકામાં આજકાલ ગ્રાઉન્ડ ઝીરો ખાતે મસ્જિદના નિર્માણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમાં પણ જ્યારે રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ મસ્જિદ નિર્માણનું સમર્થન કર્યું ત્યારથી વિવાદે વધુ જોર પકડ્યું છે. આ ઉપરાંત એક સર્વેના જણાવ્યા પ્રમાણે અમેરિકાના મોટા ભાગના લોકો એવું માની રહ્યા છે કે તેમના રાષ્ટ્રપતિ ખ્રિસ્તી નહીં પરંતુ મુસ્લિમ છે.