દેશને ૨૧મી સદીની ઉદભવી રહેલી શક્તિ બનાવવામાં વડાપ્રધાનની મહત્વની ભૂમિકા : ન્યૂઝ વીક
વિશ્વના ૧૦૦ સર્વશ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત ભલે ૭૮મા ક્રમે ફેંકાયું પરંતુ અમેરિકી મેગેઝિન ન્યૂઝ વીકની વિશ્વના ટોચના ૧૦ નેતાઓની યાદીમાં વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ સૌથી મોખરે છે.ન્યૂઝ વીકની ટોચના નેતાઓની યાદીમાં એવા નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમને વિશ્વના અન્ય નેતાઓ પણ પસંદ કરે છે. ડૉ. મનમોહનસિંઘ વિશે ન્યૂઝ વીકમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતને ૨૧મી સદીની ઉદ્ભવી રહેલી શક્તિ બનાવવામાં ૭૭ વર્ષીય ડૉ. સિંઘે મહત્વની ભૂમિકા ભજવી છે.
વિશ્વના ટોચના ૧૦ નેતાઓમાં ડૉ. મનમોહનસિંઘ ઉપરાંત બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરોન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી, ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓ, બ્રાઝિલના પ્રમુખ લુલા ડા સિલ્વા અને સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ્લાહ બિન અબ્દેલ અઝીઝ અલ-સઉદનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ વીકના ‘ધ લીડર અધર લીડર્સ લવ’ શીર્ષકવાળા લેખમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, અર્થશાસ્ત્રીમાંથી રાજકારણી બનેલા અને સતત સાત વર્ષથી વડાપ્રધાનપદ સંભાળી રહેલા ડૉ. મનમોહનસિંઘની વિનમ્રતા અને સ્વચ્છ છબીથી વિશ્વભરના નેતાઓ પ્રભાવિત છે.
ન્યૂઝ વીકના લેખમાં ઇજિપ્તના નેતા અને આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીના ભૂતપૂર્વ મહાનિર્દેશક મોહંમદ અલ બ્રાડીના ડૉ. મનમોહનસિંઘ વિશેના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ બ્રાડીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશ્વના બધા જ નેતાઓ ડૉ. સિંઘ જેવા વિનમ્ર થવા જોઇએ. મેગેઝિનના અહેવાલમાં ભારતને પતંગ ઉડાવવા માટે સર્વશ્રેષ્ઠ ગણાવવામાં આવ્યું છે. ભારતમાં દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ, મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે.