પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ તાલિબાનને એવી સુચના આપી છે કે તે પરવાનગી વગર અફઘાનિસ્તાનની હામિદ કરઝઈ સરકાર અથવા અમેરિકા સાથે વાતચીત શરૂ ન કરે. પાકિસ્તાનની સુરક્ષા અધિકારીઓના હવાલેથી ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે તાલિબાનના નેતાઓને સ્વતંત્ર રીતે એવી કોઈ પણ વાત નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં પાકિસ્તાન શામેલ ન હોય.
સમાચારમાં પશ્ચિમના દેશના એક નેતાના હવાલેથી લખવામાં આવ્યું છે કે આઈએસઆઈ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે તેની સાથે દગો કરવામાં ન આવે. નોંધનીય છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ગઈ જાન્યુઆરીમાં તાલિબાનના બીજા નંબરના નેતા અબ્દુલ ગની બરાદરની કરાચીમાંથી ધરપકડ કરવા માટે સીઆઈએની મદદ કરી હતી. મદદ પાછળ તેનો ઉદેશ્ય એવો હતો કે આઈએસઆઈ અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન નેતાઓ વચ્ચે એવી તમામ પ્રકારની ગોપનીય વાર્તા બંધ કરવા માગતી હતી જેમાં પાકિસ્તાન સરકાર શામેલ ન હોય.
વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે બરાદરની ધરપકડના થોડા દિવસો બાદ પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ 23 તાલિબાની નેતાઓની ધરપકડ કરી હતી. એમાં કેટલાય નેતા એવા હતાં જેને પાકિસ્તાન સરકાર વર્ષોથી રક્ષણ આપતી આવી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે હવે આ તાલિબાનના નેતાઓને અફઘાનિસ્તાનની અંદર અમેરિકન સૈન્ય સામે લડવા માટે મુક્ત કરી દેવામાં આવ્યા છે. જેમાં મુલ્લા કય્યૂમ,ઝકીર, અબ્દુલ કબીર અને અબ્દુલ રાઉફ કદીમનો પણ સમાવેશ થાય છે. વર્તમાનપત્રએ પાકિસ્તાનના વરિષ્ઠ સુરક્ષા અધિકારીના હવાલેથી લખ્યું છે કે અમે બરાદર અને અન્ય લોકોની ધરપકડ કરી હતી, કારણ કે તે અમારી વગર સોદ્દો કરવા માગતા હતાં. અમે તાલિબાનનું રક્ષણ કર્યું છે. તાલિબાન અમારી ઉપર નિર્ભર છે. અમે તેને કરઝઈ અને ભારત સાથે સોદ્દો કરવા નહીં દઈએ.
વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે બરાદરની ધરપકડ એવું દર્શાવે છે કે પાકિસ્તાનની અફઘાનિસ્તાન પ્રત્યે શું નીતિ રહેલી છે. પાકિસ્તાન તાલિબાન પર નિર્ણાયક દબાણ બનાવી રાખવા માગે છે. તે પોતાના વિરોધી ભારતને નિષ્ફળ કરવા માગે છે. તેમજ તે પોતાના દેશને એવી સ્થિતિમાં રાખવા માગે છે જેના કારણે યુદ્ધ બાદ રાજનીતિક વ્યવસ્થાને તે ખુદ આકાર આપી શકે.
નાટોના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમારી સાથે રમત રમવામાં આવી છે. પાકિસ્તાનની સરકારે વાતચીત રોકવા માટે બરાદરની ધરપકડ કરી હતી. તેમજ ધરપકડ બાદ આઈએસઆઈ તેને ઈસ્લામાબાદ પોતાની સાથે લઈ ગઈ હતી, તેમજ એક અઠવાડિયા સુધી તેને ગેરમાર્ગે દોર્યો હતો. આ ઉપરાંત તેની પૂછપરછ દરમિયાન સીઆઈએના અધિકારીઓને પણ હાજર રહેવા દેવામાં આવ્યા ન હતાં. મહિનાઓ પછી જ્યારે સીઆઈએને તેની ઓળખ અંગે ખબર પડી ત્યારે પાકિસ્તાન સરકારને બરાદરની પૂછપરછ માટે મંજુરી આપી હતી. પાકિસ્તાનના અધિકારીઓએ એટલે સુધી કહ્યું હતું કે સીઆઈએના અધિકારીઓ કેટલા ભોળા છે, તેમજ પાકિસ્તાને તેમના ભોળાપણની મજાક ઉડાવી હતી.