ભારત વિરોધી વલણને છોડતા પાકિસ્તાનની મુખ્ય જાસૂસી સંસ્થા આઈએસઆઈએ 63 વર્ષમાં પ્રથમ વખત સ્વીકાર કરતા જણાવ્યું છે કે પાકિસ્તાન માટે ભારત કરતા ઈસ્લામિક આતંકવાદ વધારે ખતરનાક છે.
પોતાની આંતરિક સુરક્ષા બાબતે પાકિસ્તાનની જાસૂસી સંસ્થાએ જણાવ્યું હતું કે દેશને સૌથી મોટો ખતરો ઈસ્લામિક આતંકવાદીઓથી છે. વોલ સ્ટ્રીટ જર્નલે આઈએસઆઈના એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી આ વાત કહી છે.
રાષ્ટ્રીય સુરક્ષાનું નિયમિત મુલ્યાંકન કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને 2/3 જેટલો ખતરો ભારત કે અન્ય કોઈ તત્વોથી નહીં પરંતુ ખુદ આતંકવાદથી છે. વર્તમાનપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં એ વાત અસ્પષ્ટ છે કે આ મુલ્યાંકનને પાકિસ્તાનનું લશ્કર અને સરકાર સંપૂર્ણ રીતે મંજૂર કરશે કે નહીં.
વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે સૈનિકોની તૈનાતી અને આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાનની લડાઈ ઉપર હવે આ રિપોર્ટની અસર કેવી પડશે તે જોવાનું છે. આ રિપોર્ટ પર આતંકવાદ નિરોધક નિષ્ણાંત અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર બ્રૂસ હાફમેનનું કહેવું છે કે આ એક મોટું પરિવર્તન છે.