શું ગરીબ લોકો પોતાની ગરીબીને કારણે શરમ અનુભવી રહ્યા છે? આ અંગે ભારત સહિત વિશ્વના આઠ દેશોમાં આંતરાષ્ટ્રિય સ્તરે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. સંશોધનની આગેવાની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ વોકર કરશે. સંશોધન દ્વારા એવું જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શું ગરીબીના કારણે વ્યક્તિના આત્મસન્માનમાં કોઈ કમી આવે છે અથવા ગરીબીને કારણે લોકો શરમ અનુભવે છે. આ ઉપરાંત સરકારની કલ્યાણકારી નીતિઓનું પરિણામ નકારાત્મક આવી રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
આઠ દેશમાં કરવામાં આવનાર આ અભ્યાસ પાછળનો હેતુ ગરીબીથી પ્રભાવિત લોકો અંગે સમજ મેળવવાનો છે, જેના કારણે ગરીબ નિરોધક ઉપાયોનો વધુ અસરકારક રીતે અમલ કરી શકાય. આ અંગે સંશોધન કરવા માટે આશરે એક ડઝન જેટલા શોધકર્તાઓ બાળકો અને તેના માતા-પિતાઓને કેટલાક પ્રશ્નો પૂછશે. ગરીબ હોવાને કારણે લોકો કેવો અનુભવ કરી રહ્યા છે તેમજ અન્ય લોકો તેની સાથે કેવા પ્રકારનું વર્તન કરે છે તે અંગે પ્રશ્નો પૂછવામાં આવશે.
આ અભ્યાસ અંતર્ગત બ્રિટન, નોર્વે, ચીન, ભારત, પાકિસ્તાન, યુગાન્ડા, દક્ષિણ કોરિયા અને જર્મનીના લોકોને પ્રશ્નો પૂછવામાં આવશે. આ બધા દેશોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની વચ્ચે રહેલા માનસિક અંતર અંગે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે.
ઓક્સફોર્ડના પ્રોફેસર વોકરે જણાવ્યું હતું કે ભારત અને ચીનમાં શક્ય છે કે કોઈ પરિવાર સન્માન ગુમાવે તો પરિવારના લોકો શરમ અનુભવે છે. વોકરે જણાવ્યું હતું કે અલગ-અલગ સંસ્કૃતિઓમાં ગરીબીના અનુભવને સમજવા માટે શરમના મહત્વનું વિશ્વેષણ કરવામાં આવ્યું હોય તેવો આ પહેલો બનાવ છે. અભ્યાસમાં સંશોધકો એ જાણવાનો પ્રયાસ કરશે કે ગરીબી અને શરમ વચ્ચે શું સંબંધ છે?