-હૈદરાબાદનો વતની પ્રવીણ લંડન બિઝનેસ સ્કૂલમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો છે
-બ્રિટન વિદેશી વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત દેશ છેઃ બ્રિટિશ હાઈકમિશન
-સ્કોટલેન્ડ પોલીસે આ કેસની તપાસ દરમિયાન ૧૧ વ્યક્તિની ધરપકડ કરી
બ્રિટનના ન્યૂ હેમ્પશાયરમાં ભારતીય વિદ્યાર્થી પ્રવીણ રેડ્ડી શુક્રવારે જન્મદિવસ ઉજવતો હતો ત્યારે તેના પર કેટલાક અજાણ્યા લોકોએ ચપ્પુથી હુમલો કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હૈદરાબાદનો વતની પ્રવીણ લંડન બિઝનેસ સ્કૂલમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો છે. હાલ લંડન રોયલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે તેની હાલત હજુપણ ગંભીર છે.
સ્કોટલેન્ડ પોલીસે આ કેસની તપાસ દરમિયાન ૧૧ વ્યક્તિની ધરપકડ કરી છે. આ વંશીય હુમલો છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા પ્રવીણનાં માતા-પિતાએ તાત્કાલિક લંડન પહોંચવા ઝડપથી વિઝા આપવાની માગણી કરી હતી. વિદેશમંત્રી એસ.એમ.ક્રિશ્નાએ રેડ્ડીના પિતા સાથે વાત કરી તેમને મદદનો વિશ્વાસ અપાવ્યો છે. પ્રવીણ આગામી સપ્તાહે જ પરિવારના લગ્નમાં હાજરી આપવા ભારત આવવાનો હતો, પણ હવે તેની હાલત ગંભીર બનતા પરિવારજનો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ તરફ બ્રિટિશ હાઈકમિશન આ ઘટનાને લઈને ખેદ વ્યક્ત કર્યો છે અને દાવો કર્યો છે કે બ્રિટન વિદેશી વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત દેશ છે. જો કે એકપછી એક બનતા બનાવો સ્વાભાવિકપણે જ એ સવાલ કરે છે કે શું ઓસ્ટ્રેલિયા બાદ યુકે પણ ભારતીયો માટે સલામત નથી?
તમારો મત
શું તમે માનો છો કે બ્રિટન ભારતીયો વિદ્યાર્થીઓ માટે સલામત નથી? અહીં આપેલા ફીડબેક બોક્સમાં વ્યક્ત કરો તમારો અભિપ્રાય. બ્રિટનમાં વસતાં ભારતીયો પણ આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. વાંધાજનક કમેન્ટ્સ દૂર કરવામાં આવશે.