ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપનો માઉન્ટ સિમોબંગ જ્વાળામુખી ફરીથી સક્રિય થઈ ગયો છે. જેના કારણે હજારો સ્થાનિક લોકોએ પોતાના ઘરને છોડીને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી રહી છે. રાહત શિબિરોમાં પહેલાથી જ 20000 લોકો રહે છે.
સમાચાર એજન્સી ડીપીએના જણાવ્યા પ્રમાણે જ્વાળામુખીનું અધ્યયન કરી રહેલા તેમજ ભૂગર્ભ સર્વેક્ષણ નિવારણ રાહત કેન્દ્રએ સોમવારે જણાવ્યું હતું કે જ્વાળામુખીમાં બીજો વિસ્ફોટ સોમવારે સોમવારે સવારે 6.30 વાગ્યે થયો હતો. જેના કારણે આકાશમાં 2000 મીટર ઉંચાઈ સુધી રાખના વાદળો છવાઈ ગયા હતાં. જકાર્તાથી 1300 કિલોમીટર પશ્ચિમ-ઉત્તર સ્થિત 2451 મીટર ઉંચાઉ પર ચાર સદીઓના વિરામ બાદ રવિવારે પ્રથમ વખત વિસ્ફોટ થયો હતો. જેના કારણે લોકોએ સુરક્ષિત જગ્યાએ જવાની ફરજ પડી હતી.
જ્વાળામુખી ગુરુવારે મોડી રાતથી જ ગરમ થઈ રહ્યો હતો. જેના કારણે લોકો સાવચેત થઈ ગયા હતાં. રવિવારે જ્યારે સરકારે એવું આશ્વસન આપીને લોકોને ઘરે મોકલ્યા કે જ્વાળામુખી ખતરનાક નથી ત્યારે જ તેમાં વિસ્ફોટ થયો હતો. રેડ ક્રોસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે ફાટી નિકળેલા જ્વાળામુખીમાં બે લોકોના મોત થયા હતાં. તેમજ સોમવાર સુધી રાહત શિબિરોમાં પહોંચનાર લોકોની સંખ્યા 27000 થઈ ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દમ અને શ્વાસને લગતી બીમારીની ફરિયાદ કરી રહ્યા છે. આ ઉપરાંત જ્વાળામુખીથી બચવા માટે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. નદી કિનારે રહેતા લોકોને પૂરના ખતરા અંગે પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે.