ભારતીય મીડિયા કર્મચારીઓ માટે પાકિસ્તાન પોતાના વિઝા નિયમો સરળ બનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન કમર જમાન કાયરાએ બુધવારે રાત્રે ભાસ્કર સાથેની વાતચીતમાં આ યોજનાનો ખુલાસો કર્યો છે.કમરે જણાવ્યું કે, બન્ને દેશોનું મીડિયા લોકોના વિચારોને મિત્રવત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
તેમણે એવો દાવો કર્યો કે, પાકિસ્તાની મીડિયા ભારત અને વિશ્વના અન્ય દેશોના મીડિયાથી વધુ સ્વતંત્ર છે. પાકિસ્તાનમાં ભારતીય ચેનલોને પોતાના કાર્યક્રમો બતાવવાની મંજુરી છે, ભારતીય ફિલ્મો પ્રદર્શિત થાય છે અને તેની ઓડિયો વીડિયો સીડી સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ ભારતમાં એવું નથી.
કમરે જણાવ્યું કે, મીડિયાનું મુખ્ય કામ સંઘર્ષનું રિપોટિઁગ કરવાનું છે, પરંતુ મીડિયા પોતે તેનો ભાગ બની રહ્યું છે. આવી સ્થિતિથી મીડિયાએ બચવું જોઇએ. પાકિસ્તાની પ્રધાનના જણાવ્યા મુજબ બન્ને દેશોના લોકોના સ્તરે સકારાત્મક બદલાવની જરૂર છે. બન્ને દેશોના રાજકીય સંસ્થાન પણ સંબંધોને મધુર બનાવવા માટે બધા પ્રયાસો કરી રહ્યા છે.
સંબંધો મધુર બનાવવામાં રાજકીય સ્તરની તુલનામાં લોકોને વધુ રસ હોવાના દ્રષ્ટિકોણ સાથે કમર સહમત નથી. તેમણે જણાવ્યું કે, બન્ને દેશોનો સંયુક્ત ઈતિહાસ અને ભાવનાઓ છે. તેથી મૈત્રીપૂર્ણ સંબંધો બન્ને દેશોના હિતમાં છે.