શંકાસ્પદ જેહાદી સામગ્રી ધરાવવા બદલ અમેરિકાના હાઉસ્ટન એરપોર્ટ ખાતેથી એક ભારતીય ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસરની ધરપકડ કરવામાં આવી છે. 40 વર્ષીય વિજય કુમારની જ્યોર્જ ડબલ્યૂ બુશ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી શુક્રવારે જેહાદી સામગ્રી સાથે ધરપકડ કરવામાં આવી છે.
લગેજ ચેકિંગ દરમિયાન વ્યક્તિના સામાનમાં હેન્ડગન જેવી કોઈ વસ્તુ હોવાની શંકાના આધારે પોલીસે તેની અટકાયત કરી હતી. તપાસ બાદ વ્યક્તિ પાસેથી આંગળીમાં પહેરવાનું પિતળનું ઓજાર, હેન્ડગન બનાવવા માટેનું મેન્યુઅલ અને ઈસ્લામિક સાહિત્ય મળી આવ્યું હતું.
સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગઈકાલે તેને પાંચ હજાર અમેરિકન ડોલર સામે જામીન આપ્યા હતાં. કુમારના વકીલના જણાવ્યા પ્રમાણે તે હાઉસ્ટન ખાતે હિન્દુ સંસ્થાને ઈસ્લામ ફન્ડામેન્ટલિઝમ અંગે લેક્ચર આપવા માટે અહીં આવ્યો હતો. તેમજ તેની પાસેથી મળી આવેલું સાહિત્ય તેના અભ્યાસ માટે હતું. કુમારના એટર્નીએ જણાવ્યું હતું કે કુમાર કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતો નથી. તેમજ તે જ્યારે પણ બીજી વખત અમેરિકાની મુલાકાત લેશે ત્યારે તેની સાથે આવી કોઈ સામગ્રી નહીં રાખે. અટર્નીએ જણાવ્યું હતું કે બધા લોકો જાણે છે કે તે અમેરિકા માટે કોઈ ખતરો નથી. તે ખૂબ સારો વ્યક્તિ છે. કુમાર અહીં હિન્દી કોંગ્રેસ ઓફ અમેરિકાને લેક્ચર આપવા માટે આવ્યો હતો.