ચીન કહે છે કે માત્ર પૂરપીડિતોની મદદ માટે સૈનિકો સેવા આપી રહ્યા છે, ભારતીય રાજદૂત અને ચીનના નાયબ વિદેશ મંત્રી વચ્ચે ચર્ચા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર(પીઓકે)ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચીની સૈન્યની ‘પ્રવૃત્તિ અને હાજરી’ અંગે ભારતે શુક્રવારે ચીન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રદેશમાં ચીને ૧૧,૦૦૦ સૈનિકો ગોઠવ્યા હોવાના અહેવાલના પગલે ભારતે આ ચિંતા વ્યક્ત કરી છે.
પીઓકેમાં ચીની સૈનિકોની ગતિવિધિ અંગે વડાપ્રધાન મનમોહનસિંઘ અને સુરક્ષા અંગેની કેન્દ્રીય સમિતિના અન્ય સભ્યોને માહિતી આપીને નવી દિલ્હીથી પાછા ફરેલા ચીન ખાતેના ભારતીય રાજદૂત એસ જયશંકરે, આ બાબતે ભારતની ચિંતાને વ્યક્ત કરવા માટે ચીનના નાયબ વિદેશ મંત્રી ઝાંગ ઝિઝુનને મળ્યા હતા.
જોકે, ચીની મંત્રીએ ભારતીય રાજદૂતને જણાવ્યું હતું કે એ પ્રદેશના પૂરપીડિત લોકોને માનવીય સહાયતા આપવા માટે ચીની સૈનિકો ત્યાં માત્ર સેવા આપી રહ્યા છે. ભારતીય દૂતાવાસની સૂત્રોએ જણાવ્યું હતું કે બન્નેએ દ્વિપક્ષીય સંધિને સુધારવા સંબંધિત અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. જોકે, તેની વિગતો આપવાનો સૂત્રોએ ઇનકાર કર્યો હતો.પીઓકેમાં પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ની હાજરી અંગે ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના અહેવાલના પગલે ભારતે જણાવ્યું હતું કે તે સ્વતંત્રપણે આ બાબતની ચકાસણી કરશે અને જો એ અહેવાલ સાચા હશે તો તે એક ગંભીર બાબત ગણાશે.પીઓકેમાં ચીની સૈન્યની હાજરી અંગના અહેવાલ અંગે ટીકા-ટિપ્પણિ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે જણાવ્યું હતું કે આ બાબત સાચી હોય તો તે એક ગંભીર ચિંતાનો વિષય છે અને રાષ્ટ્રના સુરક્ષા અને સલામતીની ખાતરી માટે આવશ્યક તમામ પગલાં અમે ભરીશું.