અરૂણાચલ પ્રદેશ સાથે સંકળાયેલા ભારતીય વાયુદળના એક અધિકારીને વિઝા આપવાનો ચીને ઈન્કાર કરી દીધો છે. જેના પગલે ભારતે કડક વલણ અપનાવ્યું છે અને ભારતે તેના સૈન્ય પ્રતિનિધિ મંડળની યાત્રાને જ મોકૂફ કરી દીધી છે. સંરક્ષણ મંત્રાલય સાથેના સૂત્રો દ્વારા આ વાતને અનુમોદન આપવામાં આવ્યું છે.
-ડ્રેગનની પૂંછડી વાંકી તે વાંકી, ભારતે મોકૂફ કર્યો સૈન્ય પ્રવાસ -પૂર્વોત્તર રાજ્યમાં તહેનાત ભારતીય વાયુદળના કેપ્ટનને ન આપ્યા વિઝા
મળતી માહિતી પ્રમાણે, ભારતીય દળમાં કેપ્ટન પૈનજિંગ પણ સામેલ હતા. તેઓ તા. 10મી જાન્યુઆરીના બેજિંગ જવા માટે રવાના થનારા દળમાં હતા. પરંતુ, ચીનના દુતાલય દ્વારા કોઈપણ કારણ દર્શાવ્યા વગર કેપ્ટનને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. વાયુસેના-નૌકાસેના અને થલ સેનાના ત્રીસ સભ્યોનું દળ દ્વિપક્ષીય રક્ષા વિનિમય કાર્યક્રમ હેઠળ ચાર દિવસ માટે ચીન જવાનો હતો.
ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા ભારતના રાજ્ય અરૂણાચલ પ્રદેશ પર દાવો કરવામાં આવે છે. જ્યારે ભારત દ્વારા ચીનના આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. આથી, જ ચીન દ્વારા પૂર્વોત્તર રાજ્યો સાથે સંબંધ ધરાવનારા લોકોને વિઝા આપવાનો ઈન્કાર કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા ચીન દ્વારા જમ્મુ અને કાશ્મીરના કેટલાક રહેવાસીઓને વિઝા આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચે રાજકીય તણાવ ઊભો થયો હતો.
વર્ષ 2010માં પણ ચીને આ પ્રકારની અવળચંડાઈ કરી હતી. જ્યારે ભારતની ઉત્તર કમાનના તત્કાલીન લેફ. જનરલ બી. એસ. જસવાલને પણ વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કારણ કે, તેઓ જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત હતા. ચીન જઈ રહેલા એ દળનું નેતૃત્વ લે. જનરલ જસવાલ કરી રહ્યાં હતા. જસવાલને વિઝા આપવામાં ન આવતા તે પ્રવાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ભારત દ્વારા સંરક્ષણ વિનિમય કાર્યક્રમને પણ હંગામી ધોરણે મોકૂફ કરી દીધો હતો.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.