અમેરિકામાં ઓબામાના ધર્મને લઈને ઉભા થયેલો વિવાદ ગતી પકડી રહ્યો છે. ઓબામાના ધર્મ અને જન્મસ્થળને લઈને ઉભા થઈ રહેલા વિવાદ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા ઓબામાએ કહ્યું હતું કે તે દર વખતે તેના જન્મનું પ્રમાણપત્ર પોતાના માથા પર ચોંટાડીને ફરી શકે નહીં!
આજકાલ બરાક ઓબામાના ધર્મ અને જન્મસ્થળને લઈને અમેરિકામાં અમુક લોકો દ્વારા કુ-પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઓબામાએ એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારે હવે કહેવું પડશે કે હંમેશા હું મારા જન્મનું પ્રમાણપત્ર મારા માથા પર ચોંટાડીને ફરી શકું નહીં.
નોંધનીય છે કે તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં માલુમ પડ્યું હતું કે અમેરિકામાં દર પાંચમાંથી એક અથવા 18 ટકા લોકો એવું માને છે કે તેમના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુસ્લિમ છે. ઓબામા આ સર્વે અંગે જવાબ આપી રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે જે સત્ય છે એ જ સત્ય જ છે. આ કંઈ એવું નથી જેના વિશે હું આખો દિવસ વિચારતો રહું. મને લાગે છે કે અમેરિકાના લોકો પણ એવું નથી ઈચ્છતા કે હું મારા સમય આ ઘટના પાછળ બરબાદ કરું.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન આ પ્રકારનો કુ-પ્રચાર થતો હોવાનું જોયું છે. ઓબામાએ કહ્યું હતું કે કુ-પ્રચાર માટે દેશમાં એક આખું નેટવર્ક સક્રિય છે. લોકો એવું માને છે કે મારું નામ હાસ્યાસ્પદ છે. તેમજ હું કોઈ ચૂંટણી જીતી ન શકું. આવા વાતાવરણ વચ્ચે પણ હું ઈલિનોઈસ બેઠક પરથી વિજેતા રહ્યો હતો. ઓબામાએ કહ્યું હતું કે હાલમાં તેમના વિશે જે કંઈ અફવાઓ ફેલાઈ રહી છે તેના પર તે વધારે ધ્યાન નહીં આપે. જો હું મારો બધો સમય આ બધી ઘટનાઓ પાછળ વેડફી નાખું તો મારી પાસે બીજું કંઈ કરવા માટે સમય જ નહીં બચે.
નોંધનીય છે કે ઓબામાના ધર્મને અમેરિકામાં વહેતી થયેલી અફવાઓ બાદ ખુદ વ્હાઈટ હાઉસે ખુલાસો કર્યો હતો કે ઓબામા મુસ્લિમ નહીં પરંતુ ખ્રિસ્તી છે, તેમજ દરરોજ પ્રાર્થના પણ કરે છે.