‘વિલાયત વીલિન’ થઈ જતા NRI દુલ્હાઓની ખેર નથી, ગુજ. સરકારે કરી લાલ આંખ

-એનઆરઆઈ સાથે લગ્ન કર્યા બાદ છેતરપીંડીનો ભોગ બનતી યુવતીઓના કિસ્સાઓ અટકાવવા પ્રયાસ
-ગુજરાત સરકાર દ્વારા એનઆરઆઈ લગ્ન માટે ફરજીયાત રજિસ્ટ્રેશ ફોર્મ અમલી કરવા નિર્ણય
-ફોર્મમાં એનઆરઆઈ વરરાજાએ આપવી પડશે પોતાની સંપૂર્ણ માહિતી
-એનઆરઆઈ લગ્ન અંગેના ફોર્મમાં છેતરપીંડી કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ
ભારતીય સમાજમાં અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓમાં દિકરીના લગ્ન એનઆરઆઈ સાથે કરવાનો ભારે ક્રેઝ જોવા મળે છે. પરંતુ, દિકરીને વિદેશમાં પરણાવવાની આજ ઘેલછાનો ફાયદો ઉઠાવી, એનઆરઆઈ વરરાજાઓ દ્વારા લગ્ન બાદ ભારતીય યુવતીઓને છેતરવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. દિવસે દિવસે નવા નવા કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે.
ત્યારે એનઆરઆઈ વરરાજાઓ દ્વારા છેતરપીંડીના વધી રહેલા કિસ્સાઓને રોકવા ગુજરાત સરકારે કમર કસી છે. રાજ્ય સરકારે આવા કિસ્સાઓને અટકાવવા સખત રજિસ્ટ્રેશન પ્રોસેસ અમલમાં મુકવાનો નિર્ણય કર્યો છે.
આ નવા રજિસ્ટ્રેશન ફોર્મ દ્વારા દેશમાં લગ્ન કર્યા બાદ છેતરપીંડી કરી વિદેશ ઉડી જતાં એનઆરઆઈ દુલ્હાઓને આસાનીથી શોધી કાઢવામાં મદદ મળી રહેશે. તેમજ આવા 420 એનઆરઆઈ વિરુદ્ધ કાયદાકીય જોગવાઈ હાથ ધરવામાં સરળતા રહશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતો તેમજ જિલ્લા પંચાયતોને આ નવા નિયમ હેઠળ એનઆરઆઈ લગ્નની નોંધણી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એનઆરઆઈ લગ્નોમાં ભારે ઉપયોગી બની રહેનારા આ નિયમ અંગે વિસ્તૃતમાં વાત કરીએ તો, ચાર પાનાંના આ રજિસ્ટ્રેનશ ફોર્મમાં એનઆરઆઈ વરરાજાએ પોતાના સોશિયલ સિક્યોરિટી નંબર તેમજ પાસપોર્ટની ડિટેઈલ ઉપરાંત વોટર આઈડી કે લેબર કાર્ડ અંગેની સંપૂર્ણ માહિતી પુરી પાડવી રહેશે રહેશે.
આ નવા નિયમ બાદ વિદેશમાં રહેતા ભારતીય વરરાજાએ પાતાના રેસિડેન્સિયલ તેમજ ઓફિસિયલ એડ્રેસ, એનઆરઆઈ સ્ટેટસના દસ્તાવેજો, જે તે દેશના સેલફોન નંબર અને લેન્ડલાઈન નંબર પણ રજિસ્ટ્રેશન ફોર્મમાં રજૂ કરવાના રહેશે. એટલું જ નહી, એનઆરઆઈ દુલ્હાઓએ ગુજરાતમાં રહેતા તેમજ વિદેશમાં રહેતા તેના કોઈ પણ બે સંબંધીઓ અથવા ઓળખીતાઓ અંગે પણ માહિતી પુરી પાડવી રહેશે. આ નિયમ અનુસાર વર અને વહુ બન્ને દ્વારા દહેજ અંગેનો કોઈ વ્યવહાર નથી કરાયો તેનો પણ ખુલાસો આપવાનો રહેશે.
આ અતિ મહત્વના રજિસ્ટ્રેશન ફોર્મમાં ભળતી કે ખોટી માહિતી આપનારાઓ વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કૉડ હેઠળ કેસ ચલાવવાની કાયદાકીય જોગવાઈઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
એક ઉચ્ચ અધિકારીની જણાવ્યા અનુસાર આ પહેલા એનઆરઈ સાથે લગ્નના રજિસ્ટ્રેશન વખતે આવી કોઈ પણ માહિતીઓ માંગવામાં આવતી નહોતી. આ નવા રજિસ્ટ્રેશન ફોર્મની મદદથી સંબંધિત કેસોમાં રીઢા ગુનેગાર બની ગયેલા એનઆરઆઈ દુલ્હાઓને અપરાધ આચરતા અટકાવી શકાશે.
ગુજરાત મહિલા પંચના અધ્યક્ષ લિલા અંકોલિયાના જણાવ્યા અનુસાર પંચ દ્વારા તાજેતરમાં જ યોજાનારા એક સેમિનારમાં તેમને 250 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં ગૂડી ગૂડી વાતા કરતા તેમજ શાઈનિંગ સપનાઓ દેખાડતા સ્મૂથ ટોકિંગ એનઆરઆઈઝ્ વરજારાઓ દ્વારા તેઓની જિંદગી બરબાદ કરી નાખવામાં આવી હોય.
પરંતુ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકનારા આ રજિસ્ટ્રેશન ફોર્મ બાદ આવા કિસ્સાઓ બનતા અટકાવી શકાશે. તેમજ કોઈ નિર્દોષ યુવતીની જિંદગી બરબાદ થતી બચાવી શકાશે.







