અબ્દુલ સત્તાર ઈદી, પાકિસ્તાનના 'ફાધર ટેરેસા' તરીકે ઓળખાઈ છે. તેમની સંસ્થાની ભારે પ્રતિષ્ઠા છે. એટલી હદે કે, જ્યારે 'ઈદી ફાઉન્ડેશન'ની ગાડી પહોંચે છે, ત્યારે ગોળીબારી અટકી જાય છે અને હુલ્લડો થંભી જાય છે. ગમે તેવા હિંસક વાતાવરણમાં પણ કોઈપણ અસામાજિક તત્વ પાકિસ્તાનની આ સંસ્થાની એમ્બ્યુલન્સ પર હુમલો નથી કરતું. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વ્યક્તિ ગુજરાતમાં જન્મેલી છે. માનવતા માટે અબ્દુલ સત્તાર ઈદીની કટિબદ્ધતાની સ્થિતિ એ છે કે, પોતાની સેવાના કારણે, જ તેમને 16 વખત નોબલ પ્રાઈજ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
-એક ગુજરાતી છે દુશ્મન પાકિસ્તાનના 'ફાધર ટેરેસા'
- ગમે તેવી હિંસામાં પણ ઈદી ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સને હાથ નથી લગાડતા હુલ્લડખોર
કરાચી કે પેશાવર, ગમે તે શહેર હોય કે જ્ઞાતિ લોકો અબ્દુલ સત્તાર ઈદી સન્માન આપે છે. પર્દાનશિન ઔરતો પણ જ્યારે તેમને જુએ છે, ત્યારે તેમને મળીને હાથોને ચૂમી લે છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી હોતો તે અબ્દુલ સત્તારે સાબિત કર્યું છે. જેના કારણે તેમને પાકિસ્તાનમાં 'બીજા ગાંધી' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ખાતે વર્ષ 1928માં થયો હતો.
વર્ષ 1947માં ભારતના વિભાજન બાદ તેમનો પરિવાર ભારતમાંથી હિજરત કરીને પાકિસ્તાન પહોંચ્યો હતો. વર્ષ 1951માં પોતાની નાની અમસ્તી મૂડી સાથે તેમણે નાનકડી દુકાન ખરીદી અને તે નાનકડી દુકાનમાં એક ડોક્ટરની મદદથી ડિસ્પેન્સરી ખોલી હતી. તેઓ જે કાંઈ કમાણી કરતા તેનાથી ફૂટપાથ પર પોતાનું ગુજરાન ચલાવી લેતા હતા, પરંતુ ગરીબોને મદદ કરતા હતા.
એક વખત કરાંચીમાં ફ્લૂની મહામારી ફેલાઈ, જેને જોતા ઈદી સાહેબે ટેન્ટ લગાવ્યો અને દર્દીઓને મફતમાં દવાઓ વહેંચી. એટલું જ નહીં, તેમની સેવા ભાવનાને જોતા લોકોએ તેમને ખૂબ પૈસા આપ્યા. જેના આધાર પર અબ્દુલ સતારે ઈદી ફાઉન્ડેશનની સ્થાપના કરી. આજે આ ફાઉન્ડેશન પાકિસ્તાન સહિત દુનિયા ભરના તેર રાષ્ટ્રોમાં કાર્યરત છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની નોંધ પ્રમાણે ફાઉન્ડેશન પાસે દુનિયાનો સૌથી મોટો ખાનગી એમ્બ્યુલન્સ કાફલો છે.
ફાઉન્ડેશન પાસે 1800 એમ્બ્યુલન્સ, ત્રણ એરોપ્લેન, અને એક હેલિકોપ્ટર છે. સમગ્ર દેશમાં ફાઉન્ડેશનના 450 કેન્દ્રો કાર્યરત છે. તેમની સંસ્થા અનાથો માટે અનાથાલય, મફતના હોસ્પિટલ, પુનઃવસન, વિક્લાંગો માટે કાખઘોડી, વ્હીલચેર વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. પ્રાકૃત્તિક આપદામાં ફસાયેલા લોકોને તેઓ સંભવ હોયતેવી તમામ મદદ કરે છે. આ સંસ્થા દ્વારા લગભગ ચાલીસ હજાર નર્સોને તાલિમ આપવામાં આવી છે. પાકિસ્તાનના લોકો કરૂણાના દેવદૂત સમા અબ્દુલ સત્તારને 'ફાધર ટેરેસા' પણ કહે છે. આ સંગઠન દ્વારા સેંકડો બિનવારસી શબની અંતિમવિધિ કરી છે. તેમના બેગમ બિલકિસ ઈદીએ ફાઉન્ડેશનના અધ્યક્ષા છે. પતિ-પત્નીને વર્ષ 1986માં સામાજિક કાર્યક્રમો કરવા માટે સંયુક્ત રીતે વર્ષ 2007માં તેમને ભારતનો ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત અબ્દુલ સત્તાર ઈદીને લેનિન શાંતિ પુરસ્કાર, બલજન પુરસ્કાર પણ મળ્યા છે.
ઈદીને પાકિસ્તાનમાં કોઈ ઓળખની જરૂર નથી. તેઓ અનાથોની દેખભાળ કરવા ઉપરાંત તેમના લગ્ન સુદ્ધાની જવાબદારી ઉઠાવે છે. તેમનું કાર્યક્ષેત્ર માત્ર પાકિસ્તાન પૂરતું મર્યાદિત નથી. વિશ્વમાં ગમે ત્યાં કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ ત્રાટકે ત્યારે ફાધર ટેરેસાનું ફાઉન્ડેશન ત્યાં પહોંચી જાય છે.
આજે ઈદી પરીવાર પાસે જે કાંઈ છે , તે ગરીબોને માટે જ છે. તેમની ઝૂલા સ્કીમથી હજારો બાળકોની તેમણે જાન બચાવી છે. અનાથ અને આધારહિન બાળકીઓના લગ્ન કરાવતી વખતે અબ્દુલ સત્તાર ઈદીના પત્ની બિલ્કિસ ખુદ છોકરા અને તેના પરીવારની તપાસ કરે છે. જ્યારે તેમને સંતોષ થાય ત્યારે જ તેઓ અનાથ આશ્રમની બાળકીઓના લગ્ન કરાવે છે. લગ્ન સમયે રિત રિવાજોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
આવી કોઈ લગ્નવિધિમાં સામેલ થતા એવું જ લાગે, જાણે તેમની પોતાની પુત્રીના લગ્નમાં તમે સામેલ થયા હો. તમામ બાળકોને ખુદ પોતાના બાળકો જેટલો જ પ્રેમ આપે છે. જ્યારે એક વખત અબ્દુલ સત્તારના પુત્ર ફૈઝલે સાઈકલ માંગી ત્યારે ઈદીસાહેબે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમના કહેવા પ્રમાણ, હું સાઈકલ ત્યારે જ આપીશ, જ્યારે બધા બાળકોને સાઈકલ આપી શકું.