તમે પણ જીવનના આખરી પડાવે ઇકો ફ્રેન્ડલી અંત્યેષ્ટિની દિશામાં વિચારીને વાતાવરણમાં અંગારવાયુના પ્રમાણને ઘટાડવાની દિશામાં પ્રદાન કરી શકો છો. પ્રત્યેક અગ્નિસંસ્કારને અંતે હવામાં ૧૫૦ કિલોગ્રામ અંગારવાયુ ભળે છે. આ ઉપરાંત કેટલાક ટોક્સિક રસાયણો પણ છૂટા પડે છે. છૂટા પડતા વાયુઓના એક કયુબિક મીટર પ્રમાણમાં ૨૦૦ માઇક્રોગ્રામ પારાનું પ્રમાણ પણ હોય છે.
પરંતુ હવે પર્યાવરણને હાનિ ના પહોંચાડે તે રીતની અંતિમસંસ્કારની રીતરસમો ઉપલબ્ધ થવા માંડી છે. ન્યુ સાયિન્ટસ્ટના અહેવાલ મુજબ હવે મૃતદેહને રસાયણની મદદથી માંડીને નીચા તાપમાને થીજવીને પાઉડર સ્વરૂપમાં ફેરવી નાખતી અંત્યેષ્ટિની પદ્ધતિ ઉપલબ્ધ છે. ગ્લાસ્ગોમાં આવેલી કંપની ‘રેસોમેશન’ એ સોડિયમ હાઇડ્રોકસાઇડમાં મૃતદેહને ૧૮૦ સેન્ટિગ્રેડ તાપમાને રાખીને અંત્યેષ્ટિ કરવાની પદ્ધતિ વિકસાવી છે.
કંપનીના સ્થાપક સેન્ડી સુલીવાન કહે છે કે આ પ્રક્રિયામાં ગેસ ફોયર્ડ સ્ટીમ બોઇલર જરૂરી ગરમી પેદા કરે છે. આ પ્રક્રિયામાં પ્રત્યેક મૃત્યુદીઠ ૬૬ કિલો અંગારવાયુ જ છૂટો પડે છે. તેને પાંચ અમેરિકી રાજ્યોમાં ઉપયોગ માટે મંજુરી પણ મળી ગઇ છે. પરંતુ બ્રિટનમાં મંજુરી મળી નથી.
બીજી કંપની ક્રયોમેશનનો દાવો છે કે થીજવી દેતા તાપમાને મૃતદેહને સૂકવી નાખતી પ્રક્રિયામાં તો તેનાથી પણ ઓછા પ્રમાણમાં અંગારવાયુ છૂટો પડે છે. બ્રિટનના વુડબ્રીજ સ્થિત આ કંપની પ્રવાહી નાઇટ્રોજનની મદદથી મૃતદેહને માઇનસ ૧૯૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાને થીજવી દેવાની તકનિકની વાત કરે છે. થીજી ગયા બાદ મૃતદેહ પાઉડરના સ્વરૂપમાં તબદીલ થઇ જાય છે.