- ગદ્દાફી સામે વિદ્રોહ ફાટી નીકળથાં આયશા અલ્જીરિયા ભાગી ગઇ હતી - પિતાના પતન બાદ સત્તામાં આવેલી નવી સરકારને ઉખાડી ફેંકવાનું આહ્વાન
ગૃહ યુદ્ઘ દરમિયાન વિદ્રોહીઓના હાથે હણાયેલા લીબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીની પુત્રી આયશા ગદ્દાફીએ લીબિયાની જનતાને આગ્રહ કર્યો છે કે તેમણે ઉત્તર એટલાંટિક સંધિ સંગઠન (નાટો)ના વિમાનોના જોર પર સત્તામાં આવેલી નવી સરકારને ઉખાડી ફેંકવી જોઇએ. સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્તી પ્રમાણે સીબીએસ ન્યૂઝે આયશાનો હવાલો આપતા કહ્યું છે કે "ભલે મારા પિતા જીવતા નથી પરંતુ તેઓ હંમેશા આપણી વચ્ચે છે."મંગળવારે આયશાનો ઓડિયો સંદેશો સીરિયાના અલ-રાય ટેલીવિઝન પર રિલીઝ થયો હતો.
આયશાએ કહ્યું કે "મારા પિતાના એ આદેશોને ન ભૂલો કે જે તમને લડાઇ શરૂ રાખવાનો આગ્રહ કરી રહ્યા છે. ભલે તેનો અવાજ હવે તમને સંભળાતો ન હોય."
ગદ્દાફીએ લીબિયા પર 42 વર્ષો સુધી શાસન કર્યું હતું. વિદ્રોહીઓએ તેને ગૃહનગર સિર્તે પાસે 20 ઓક્ટોબરના રોજ પકડી લીધો હતો અને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ત્રિપોલી પર વિદ્રોહીઓએ કબ્જો જમાવ્યા બાદ આયશા પોતાની મા સોફીયા અને બે ભાઇઓ- હન્નીવલ તેમજ મહમ્મદ અને તેના બાળકો સાથે 29 ઓગસ્ટના રોજ સરહદ પાર કરી અલ્જીરિયા ચાલી ગઇ હતી. સરહદ પાર કર્યાની થોડીવાર બાદ આયશાએ અલ્જીરિયાની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.
સીબીએસ ન્યુઝ પ્રમાણે પોતાના નિવેદન માટે આયશાએ પ્રત્યાર્પણનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેણે અને તેના પરિવારના સ્વજનોએ અલ્જીરિયામાં શરણ મળ્યા બાદ શપથ લીધા હતા કે તેઓ કોઇપણ જાહેર નિવેદન નહીં આપે.
- તમારો મત આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.