બરાક ઓબામાને અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બન્યાને દોઢ વર્ષ વીતી ગયું, તેમ છતાં દર પાંચમાંથી એક અમેરિકન એવું વિચારે છે કે બરાક ઓબામા મુસ્લિમ છે, તેવું તાજેતરના એક સર્વેમાં સામે આવ્યું છે.
આ રાષ્ટ્રીય અહેવાલ બહાર પાડનાર પ્યુ રીસર્ચ સેન્ટરે ખુલાસો કર્યો છે કે અન્ય રાષ્ટ્ર પ્રમુખોની સરખામણીમાં ઓબામાના રાજકીય પાસાઓ કરતાં તે એક મુસ્લિમ રાષ્ટ્રપ્રમુખ છે તે વાત વધુ ફેલાયેલી છે. માર્ચ 2009માં 11 ટકા લોકો એવું કહેતા હતાં કે ઓબામા મુસ્લિમ છે, આ આંકડો વધીને અત્યારે 18 ટકાએ પહોંચ્યો છે. માત્ર ત્રીજા ભાગના એટલે કે 34 ટકા જ લોકો એવું માને છે કે ઓબામા ખ્રિસ્તી છે. આવું કહેનારા લોકોનો આંકડો 2009માં 48 ટકા હતો.
ભૂતકાલીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે મસ્જિદ બાંધવાની ઓબામાએ તરફેણ કરી તે પહેલાં જ ઓગસ્ટની શરૂઆતમાં જ આ સર્વે બહાર પડી ચૂક્યો હતો. વ્હાઇટ હાઉસના ખાસ સલાહકાર એવું માને છે કે વિરોધ પક્ષ આવી ખોટી માહિતી લોકોમાં ફેલાવી રહ્યો છે.વ્હાઇટ હાઉસના ખાસ સલાહકાર જોશુઆ ડ્યુબોઇસ એવું જણાવે છે કે બરાક ઓબામાં પોતાને ખ્રિસ્તી જ ગણાવે છે અને આ ધર્મનું તેઓ સમર્થન પણ કરે છે. તે છતાં કેટલાંક વિરોધી લોકો આવી ખોટી માન્યતા ફેલાવી રહ્યા છે.
અહીંના લોકોમાં બરાક ઓબામા મુસ્લિમ છે એવી માન્યતા વધુને વધુ ફેલાઈ રહી છે. ખાસ કરીને ઓબામા મુસ્લિમ છે તેવું કહેનારા રૂઢિચુસ્ત રાષ્ટ્રીય હિમાયતીઓની સંખ્યા વધી રહી છે. તેમ છતાં પ્યુના અહેવાલ પ્રમાણે ઓબામા મુસ્લિમ છે તેવું કહેનારા ડેમોક્રેટ્સની સંખ્યામાં થોડો ફેરફાર જરૂર દેખાયો છે.