અમેરિકામાં સૌથી મોટા આતંકવાદી હુમલાના સાક્ષી રહેલા ગ્રાઉન્ડ ઝીરો ખાતે મસ્જિદ બનાવવાના પોતાના પહેલાના નિવેદનને સમર્થન કરતા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફરીથી જણાવ્યું હતું કે તે ગ્રાઉન્ડ ઝીરો ખાતે મસ્જિદ બનાવવાની વાતને નહીં પરંતુ અમેરિકાના બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતા હોવાના મુદ્દા પર ભાર મૂકી રહ્યા છે.
ઓબામાએ એક મુલાકાતમાં ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જિદ બનાવવાના પોતાના નિવેદન અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું કોઈ ખાસ યોજનાને સમર્થન કરી રહ્યો નથી. હું તો અમેરિકાના બંધારણમાં જે છે તેનું સમર્થન કરી રહ્યો છું.
તેમણે જણાવ્યું હતું કે, હું માનું છું કે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી ઈફ્તાર પાર્ટીમાં મેં જે કંઈ કહ્યું હતું તે સ્પષ્ટ હતું. જો તમે ઈચ્છો તો એ જગ્યાએ ચર્ચ બનાવી શકો છો. આ જગ્યાએ તમે યહૂદીનું પૂજાગૃહ અને હિન્દુનું મંદિર પણ બનાવી શકો છો. જો આવું થઈ શકતું હોય તો જે લોકો ઈસ્લામને માની રહ્યા છે તેમના પ્રત્યે આપણે અન્યાય કેવી રીતે કરી શકીએ. મસ્જિદ બનાવવાની માગણી કરી રહેલા લોકો મુસ્લિમ છે પરંતુ તે આખરે અમેરિકાના જ નાગરિકો છે.
ઓબામાએ જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્રપતિ હોવાને નાતે બંધારણનું સન્માન કરવું એ મારી ફરજ છે. તેમણે જણાવ્યું હતું કે મીડિયા એવું માની રહ્યું છે કે આ મુદ્દો મોટો રાજનીતિક વિવાદ બનવાનો છે. તેમજ કંઈક ગરબડ છે પરંતુ હકીકતમાં એવું કંઈ પણ નથી.તેમણે જણાવ્યું હતું કે મારું મારી ટીમ પ્રત્યેનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. દરેક અમેરિકન નાગરિક સાથે સમાન વ્યવહાર કરવો એ આપણા બંધારણનો સિદ્ધાંત છે, જેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. ઓબામાએ જણાવ્યું હતું કે ઈફ્તાર પાર્ટીમાં તેમની સાથે એવા મુસ્લિમ લોકો પણ હતાં જેમણે ઈરાકમાં અમેરિકા માટે યુદ્ધ લડ્યું હતું. જેમણે 20 વર્ષથી પણ વધારે સમય સુધી દેશની સેવા કરી છે. આથી તમે એવું કેવી રીતે કહી શકો કે સરકારી અને બંધારણિય પ્રણાલી પ્રમાણે ઈસ્લામની આસ્થા ઓછી છે.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 9/11ના આંતકવાદી હુમલા સ્થળે મસ્જિદ તેમજ એક ઈસ્લામિક સેન્ટર બનાવવાને મસર્થન કર્યા બાદ દેશમાં વિવાદ ઉભો થયો છે. તેમજ અમેરિકાના લોકોમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે આ જગ્યાએ મસ્જિદ બનાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.