દક્ષિણ પાકિસ્તાનના કબ્રસ્તાનમાં જાનાહ સૂરજો નામની એક મહિલાએ હજારો પૂરપીડિતોની વચ્ચે પોતાના બાળકને જન્મ આપવો પડ્યો છે. તાવમાં કણસતી 26 વર્ષીય જાનાહે ગઈ કાલે અહીંયા એક બાળકને જન્મ આપવો પડ્યો છે. આ સમય પ્રસૂતા અને નવજાત શિશુ માટે ખૂબ જ કપરો છે, કારણ કે અત્યારે આ આખો દેશ ભયંકર પૂરગ્રસ્ત છે અને કેટલીય જીવલેણ બીમારીઓના સંકટમાં સપડાયેલો છે.
બાળકને જન્મ તો આપી દીધો પરંતુ સૂરજોને હવે એ ચિંતા છે કે તે આ બાળક બીમાર છે અને તેના ઈલાજ માટે સૂરજો પાસે પૈસા પણ નથી. દક્ષિણ સિંધ પ્રાંતમાં પૂરનું પાણી કેટલાંય ગામોમાં ઘૂસી ગયું છે અને આ જ કારણે સૂરજો સહિતના હજારો લોકો જીવ બચાવવા માટે માકલીની ટેકરી પર આવેલા એક કબ્રસ્તાનમાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે. ગઈકાલે લાચારીવશ હજારો લોકોની વચ્ચે સૂરજોએ પોતાના નવજાત શિશુને જન્મ આપવો પડ્યો છે.
પાકિસ્તાનમાં એક મહિના પહેલા પડેલા અતિભારે વરસાદ અને સિંધુ નદીમાં જળસ્તર સપાટીથી ઉપર જવાના કારણે અહીંની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે.વિશ્વ ખાદ્ય કાર્યક્રમના પ્રમુખ જોસેટ શીરાને કહ્યું છે કે તેમની એજન્સીએ અહીંના 30 લાખ લોકોને ભાજન ઉપલબ્ધ કરાવી દીધું છે પણ અન્ય 30 લાખ લોકો સુધી ખાદ્યસામગ્રી પહોંચાડવાનું કામ હજુ બાકી છે.