અમેરિકામાં આશરે 70 જેટલા ખ્રિસ્તી નેતાઓએ બરાક ઓબામાના ધર્મ સંબંધિત વિવાદની ટીકા કરી છે. નેતાઓએ એ વાત પર ભાર આપ્યો હતો કે રાષ્ટ્રપતિ કોઈ પણ શંકા વગર ઈસુને ભાગવાન માને છે. એક ખુલ્લા પત્રમાં નેતાઓએ મીડિયા, જાહેર અધિકારીઓ તેમજ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓને કહ્યું છે કે તેઓ ઓબામાને સાથ આપે.
પત્રના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ઓબામા ઈસુને ભગવાન માને છે તેમજ તેમણે અનેક વખત ખ્રિસ્તી ધર્મની મહત્તા વિશે વાત કરી છે. આ પત્રમાં હસ્તાક્ષર કરનાર અનેક લોકોએ ઓબામા સાથે પ્રાર્થના અને પૂજા પણ કરી છે.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે કરવામાં આવેલા એક સર્વેમાં માલુમ પડ્યું હતું કે અમેરિકામાં દર પાંચમાંથી એક વ્યક્તિ એવું માને છે કે તેમના રાષ્ટ્રપતિ મુસ્લિમ છે. આવા સંશોધન બાદ ખુદ વ્હાઈટ હાઉસે ખુલાસો કર્યો હતો કે બરાક ઓબામા ખ્રિસ્તી જ છે, તેમજ તે નિયમિત પૂજા પણ કરે છે.
જો કે બરાક ઓબામાના પિતા એક મુસ્લિમ હતાં. આથી તેનો જન્મ એક મુસ્લિમ તરીકે જ થયો હતો. ઓબામા મુસ્લિમ હોવાના સંશોધન બાદ અમેરિકામાં ઓબામાના ધર્મને લઈને વિવાદ ઉભો થયો હતો.