પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરના વિવાદાસ્પદ ગિલગિટ બાલ્ટિસ્તાન ક્ષેત્રને ૫૦ વર્ષ માટે ચીનને લીઝ પર આપવા અંગે વિચારણા કરી રહ્યું છે. અમેરિકા સાથેના તનાવપૂર્ણ સંબંધો વચ્ચે ચીન સાથે પોતાના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે પાકિસ્તાન આ પગલું ભરી રહ્યું છે. અમેરિકાની પ્રતિષ્ઠિત થિન્ક ટેન્ક મિડલ ઇસ્ટ મીડિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. ગિલગિટ બાલ્ટિસ્તાન માટે પાકિસ્તાન-ચીન સંરક્ષણ કાર્યક્રમનો આ નિર્ણય ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાની સૈન્ય વડા જનરલ અશફાક પરવેઝ કયાનીની ચીનની યાત્રા દરમિયાન લેવામાં આવ્યો હોવાની સંભાવના છે. પાકિસ્તાનના ઉર્દૂ દૈનિક રોજનામા બંગ-એ સહરમાં પ્રસિદ્ધ કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં કથળી રહેલી પરિસ્થિતિ અને અમેરિકા સાથેના તનાવપૂર્ણ સંબંધોને પગલે ગિલગિટ બાલ્ટિસ્તાનને ૫૦ વર્ષ માટે ચીનને લીઝ પર આપવા અંગે વિચારણા શરૂ થઇ ગઇ છે.
દૈનિકમાં પ્રસિદ્ધ કરાયેલા ૧૩મી ડિસેમ્બરના અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, ચીનની એક થિન્ક ટેન્કે પણ આ પગલાને મંજુરી આપી દીધી છે.
વિકાસ પરિયોજનાનું બહાનું કરાશે : ચીન વિકાસ પરિયોજનાઓના નામે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં કામ શરૂ કરશે અને પછી ધીમે-ધીમે આ ક્ષેત્રનું નિયંત્રણ પોતાના હાથમાં લેશે. ત્યાર પછી આ ક્ષેત્રને ૫૦ વર્ષ માટે સંપૂર્ણ રીતે પોતાના કબજામાં લઇ લેશે અને પોતાના સૈનિકો ત્યાં તૈનાત કરશે.