અમેરિકાના ઈતિહાસના સૌથી યાદગાર લગ્નમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન તેમજ વર્તમાન વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની પુત્રી ચેલ્સીના લગ્ન શનિવારે ધામધૂમથી કરવામાં આવશે. પરંતુ તેના લગ્નમાં રાષ્ટ્રપતિને જ આમંત્રણ આપવામાં આવ્યું નથી.
ઓબામાએ બુધવારે એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેને બિલ અને હિલેરી દ્વારા પુત્રીના લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઓબામાએ જણાવ્યું હતું કે કદાચ હિલેરી અને તેના પતિ બિલ પોતાની પુત્રીને જ સમારંભનું કેન્દ્ર બનાવવામાં માગે છે.
ઓબામાએ રમૂજ કરતા કહ્યું હતું કે તમે નથી ચાહકા કે એક સમારંભમાં બે રાષ્ટ્રપતિ હાજર હોય. જ્યાં બધા વ્યક્તિઓને મેટલ ડિટેક્ટર ટેસ્ટમાંથી પસાર થવું પડે, તેમજ બધી ભેટ સોગાદોને ખોલવી પડે. ચેલ્સીના લગ્ન બેંકર માર્ક મેઝવિસ્કી સાથે થનારા છે. આ લગ્નમાં બિલ ક્લિન્ટને અલ ગોર, સ્ટીવન સ્પીલબર્ગ અને ટેડ ટર્નરને પણ આમંત્રણ આપ્યું નથી.
ન્યૂયોર્ક ડેઈલીના જણાવ્યા પ્રમાણે મેનહટ્ટનથી આશરે 90 માઈલ દૂર એક ખાનગી જગ્યામાં યોજાનારા લગ્નમાં 30 થી 50 લાખ ડોલર ખર્ચ થવાનો અંદાજ છે. વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાંથી લગ્નમાં પધારી રહેલી મોટી હસ્તિઓની સુરક્ષા પાછળ જ બે લાખ ડોલરનો ખર્ચ કરવામાં આવશે.