કેનેડામાં બુધવારે બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ બાદ અલ-કાયદાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. બંનેની ધરપકડ બાદ એવા સંકેત મળ્યા છે કે બંને આતંકવાદીઓના નિશાના પર કદાચ કેનેડાની સંસદ હતી. પોલીસે આ ષડયંત્રમાં શામેલ બે આતંકવાદીઓની ગુરુવારે અને શુક્રવારે અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કુલ આતંવાદીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે. સુરક્ષા અધિકારીઓએ ધરપકડ કરવામાં આવેલા લોકો પાકિસ્તાન, ઈરાન અફઘાનિસ્તાન અને દૂબઈ સાથે સંબંધ ધરાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીમાં 30 વર્ષીય હિવા મોહમ્મદ અલીઝાદેહ અને ભારતીય મૂળનો કહેવામાં આવતો 26 વર્ષીય મિસબાહુદ્દીન અહમદ પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત 28 વર્ષીય ખર્રમ ખાન પર ષડયંત્ર માટે ઉશ્કેરણી કરવાનો આરોપ છે. ખાન પાકિસ્તાની મૂળનો છે. તેણે 2008 કેનેડિયન આઈડોલમાં પણ ભાગ લીધો હતો. જ્યારે શુક્રવારે ધરપકડ કરવામાં આવેલા શંકમદ પર હજી સુધી કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી.
100 લોકો દ્વારા એક વર્ષ સુધી શકમંદો પર નજર રાખવામાં આવ્યા બાદ કેનેડાની પોલીસ દ્વારા આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ‘ઓપરેશન સમોસા’ અંતર્ગત આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિઓ પાસેથી 50 ઈલેક્ટ્રોનિક સર્કિટ મળી હતી. જેનો ઉપયોગ વિસ્ફોટકો બનાવવા માટે કરવામાં આવે છે.
પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે તેમની યોજના કેનેડાની સંસદ પર હુમલો કરવાની હતી. ડેઈલી નેશનલ પોસ્ટના જણાવ્યા પ્રમાણે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે શકમંદો કેનેડાની સંસદ પર હુમલો કરવા માગતા હતાં. તેમણે વિસ્ફોટકોના પરિવહન અંગે પણ વાત કરી હતી. આ ઉપારંત ઓટાવાના અમુક સ્થળો પર હુમલો કરવાની પણ તેમની યોજના હતી.