ફ્રાંસમાં જાહેર જગ્યાએ બુરખો પહેરવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ સમગ્ર યૂરોપમાં શરૂ થયેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી. બ્રિટનના એક સાંસદ દ્વારા બુરખાધારી મહિલા સાથે મુલાકાત કરવાનો ઈનકાર કરી દીધા બાદ બ્રિટનના એક સાંસદ બુરખો પહેરવાની તરફેણ કરી રહ્યા છે. બ્રિટનના પર્યાવરણ મંત્રીએ બુરખો પહેવાની તરફેણ કરતા જણાવ્યું હતું કે બુરખો મહિલાઓને સશક્ત કરે છે.
પર્યાવરણ મંત્રી કાર્લોલિન સ્પેલમેનનું કહેવું છે કે ચહેરો ઢાકવાની સ્વતંત્રતા મળ્યા બાદ મહિલાઓ વધારે મજબૂત બને છે. સ્પેલમેનનું કહેવું છે કે મહિલાઓના અધિકાર માટે બુરખો જરૂરી છે. સાંસદે જણાવ્યું હતું કે તે એક મહિલા છે જે સભ્ય સમાજમાં રહે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં ન રહેવા ઉપરાંત એવા ઘણા કારણો છે જે મહિલાઓને બુરખો પહેરવા પ્રેરિત કરે છે. બુરખો તેની સંસ્કૃતિનો એક ભાગ છે.
બહાર જતી વખતે બુરખો પહેરવો કે નહીં તે અંગેનો નિર્ણય મહિલાઓની સમજદારી પર છોડી દેવો જોઈએ. આ નિર્ણય માટે મહિલાઓ સ્વંતંત્ર હોવી જોઈએ.
ડેઈલી મેઈલના રિપોર્ટ પ્રમાણે આ પહેલા ટોરી પાર્ટીના સાથી તેમજ પ્રવાસન વિભાગના મંત્રી ડમેન ગ્રીને જાહેરમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ લાદવાની માગણી કરી હતી. ગ્રીને કહ્યું હતું કે સભ્ય સમાજ માટે આવો પ્રતિબંધ લગાવવો જરૂરી છે.
એક સર્વે પ્રમાણે બ્રિટનમાં 67 ટકા લોકો જાહેર જગ્યાએ બુરખો પહેરવાને અયોગ્ય માને છે. નોંધનીય છે કે સ્પેન, બેલ્ઝિયમ પછી ફ્રાંસે પણ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો છે. ફ્રાંસ બાદ બ્રિટનમાં પણ બુરખા પર પ્રતિબંધ લાદવાની માગણી ઉઠી છે.