ઓસ્ટ્રેલિયામાં એક શિક્ષિકાએ ક્લાસના વિદ્યાર્થીઓને અલગ પ્રકારનું એસાઈમેન્ટ આપતા દેશભરમાં વિવાદ ઉભો થઈ ગયો છે. શિક્ષિકાએ વિદ્યાર્થીઓને એક આતંકવાદી હુમલાનો પ્લાન તૈયાર કરવાનું એસાઈમેન્ટ આપ્યું હતું. એટલું જ નહીં આ હુમલાને વ્યાપક બનાવવા માટે તેમજ મોટા પ્રમાણમાં વિનાશ કરવા માટે રસાયણિક અને જૈવિક હથિયારોનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની કેલગૂર્લી-બાઉલ્ડર કોમ્યુનિટી હાઈસ્કૂલમાં પર્યાવરણનો વિષય ભણાવી રહેલી શિક્ષિકાએ ગયા અઠવાડિયે વિદ્યાર્થીઓને આવા ટાસ્ક પર કામ કરવાનું કહ્યું હતું. ધ વેસ્ટ ઓસ્ટ્રેલિયન વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે શિક્ષિકાએ લેખિત એસાઈમેન્ટ ફોર્મમાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમારું લક્ષ્ય દેશભરમાં ભય ફેલાવવા માટે મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનો જીવ લેવાનું છે.
વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી હુમલા માટે સારા સમયની શોધ કરવાની છે. તેમને એવું પણ નક્કી કરવાનું કહેવામાં આવ્યું હતું કે જૈવિક અને રસાયણિક હથિયારનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે અને તેની અસર માનવ શરીર પર કેવી થશે? વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી હુમલાની તેમની યોજના જેટલી વાસ્તવિકતાથી નજીક હશે એ પ્રમાણે તેમને માર્ક આપવામાં આવશે.
આ ખતરનાક ટાસ્કને લઈને મોટાભાગના વિદ્યાર્થીઓ ડરી ગયા હતાં. તેમજ મોટા ભાગના વિદ્યાર્થીઓએ આવું કરવાનો ઈનકાર કર્યો હતો. શિક્ષિકાનો બચાવ કરતા સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે, શિક્ષિકા બિન અનુભવી હોવાને કારણે તેણે વિદ્યાર્થીઓને આવું કામ સોંપ્યું હતું. તેમજ તેનો ઉદેશ્ય આતંકવાદને પ્રોત્સાહન આપવાનો બિલકુલ ન હતો. સ્કૂલે શિક્ષિકાની ઓળખ પણ જાહેર કરવાનો ઈનકાર કર્યો છે. શિક્ષિકાના આવા કૃત્યનો પડઘો પુરા દેશમાં પડ્યો છે, તેમજ દેશભરમાંથી તેની સામે પગલા લેવાની માગણી ઉઠી છે.