-સેન્ટ કિટ્સ અને નેવીસ નામના બે દેશોએ વિદેશીઓ માટે સિટિઝનશીપ ઓફર કરી
-નાગરિક બન્યા બાદ તમે 100થી વધારે દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકો છો
-નાગરિક બન્યા બાદ તમારે ઈન્કમ ટેક્સ ચૂકવવાની પણ જરૂર નહી પડે
લંડનઃ આ ઓફર કોઈ લેભાગુ ટ્રાવેલ એજન્સીની નથી. વેસ્ટ ઈન્ડિઝના સેન્ટ કિટ્સ અને નેવીસ નામના બે દેશોએ વિદેશીઓ માટે સિટિઝનશીપ ઓફર કરી છે, એટલે કે કોઈપણ વ્યક્તિ અઢી લાખ ડૉલર ચૂકવીને અહીંના નાગરિક બની શકે છે. એટલું જ નહીં માત્ર ત્રણ જ મહિનામાં આ દેશો સિટિઝનશીપ આપી દે છે. વાત એમ છે કે આ બન્ને ટાપુ દેશોનું અર્થતંત્ર મુખ્યત્વે શેરડીના પાક પર નભતું હતું, પણ દુનિયાભરમાં શેરડીના ભાવ ગગડતા અર્થતંત્ર ડામાડોળ બન્યું હતું. તંગ આર્થિક સ્થિતિને વધારે મજબુત કરવા માટે બન્ને દેશોએ વિદેશીઓને અઢી લાખ ડૉલરમાં સિટિઝનશીપ ઓફર કરવાનું ચાલુ કર્યું છે.
રોઈટરના અહેવાલ મુજબ આ બન્ને દેશઓની સિટિઝનશીપ લેવાનો મોટો ફાયદો એ છે કે એક વખત અહીંના નાગરિક બન્યા બાદ તમે 100થી વધારે દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકો છો અને તેમાં કેનેડા અને યુરોપના તમામ દેશો પણ સામેલ છે. આ દેશોના નાગરિક બન્યા બાદ તમારે ઈન્કમ ટેક્સ ચૂકવવાની પણ જરૂર નહી પડે. કેનેડાના ઈમિગ્રેશન વકીલ ડેવીડ લેસ્પેરેન્સ જણાવે છે કે રાજકીય અસ્થિરતા, ડામાડોળ અર્થતંત્ર જેવા કારણોસર અનેક લોકો સેકન્ડ પાસપોર્ટ લેવાનો આગ્રહ રાખે છે અને આ માટે સેન્ટ કિટ્સ કે નેવીસ જેવા દેશો સારો વિકલ્પ છે.
સેન્ટ કિટ્સનો પાસપોર્ટ અઢી લાખ ડૉલરમાં મળી શકે છે, અને નાગરિક બન્યા બાદ તમે અહીં ચાર લાખ ડૉલર સુધીનું મકાન કે જમીન ખરીદી શકો છો. એક રીતે આ કોઈ નવી વાત નથી, અમેરિકા, કેનેડા, યુકે અને ન્યૂઝીલેન્ડ જેવા અનેક દેશો પૈસેટકે સમૃદ્ધ વ્યક્તિઓને હાથ ફેલાવીને આવકારે છે. જો કે આ દેશોમાં સરળતાથી પાસપોર્ટ મળી જતો નથી.
તમારો મત
અહીં આપેલા ફીડબેકમાં વ્યક્ત કરો તમારો અભિપ્રાય. વાંધાજનક કમેન્ટ્સ દૂર કરવામાં આવશે.