વડાપ્રધાન મનમોહનસિંઘે દેશમાં આવતા વિદેશી નાણાં પર ટોબિન ટેક્સ લાગુ કરવાની શક્યતાઓ નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ચોક્કસ સંજોગોમાં ટોબિન ટેક્સ યોગ્ય પુરવાર થાય છે પરંતુ ભારતમાં હજુ એવી સ્થિતિ ઊભી થઈ નથી કે જેથી બહારથી આવતી મૂડી આપણા માટે સમસ્યારૂપ બને. હાલ ભારતમાં થતું સીધંુ રોકાણ કે પોર્ટફોલિયો રોકાણ એવા તબક્કે નથી પહોંચ્યું કે બહારથી આવતા નાણાં પર ટોબિન ટેક્સની જરૂર પડે.
કેબિનેટનું વિસ્તરણ કરાશે કે નહીં?
સંસદનું ચોમાસુ સત્ર આવી રહ્યું છે ત્યારે શું કેબિનેટના વિસ્તરણની યોજના છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન મનમોહનસિંઘે જણાવ્યું હતું કે હાલ ચોમાસુ સત્ર અને કેબિનેટમાં ફેરફાર ચિંતાનો વિષય છે પરંતુ આવા મહત્વના મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવી યોગ્ય નથી. ફેરફાર થશે ત્યારે બધાને ખબર પડી જ જશે. વડાપ્રધાન હંમેશા આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળે છે.
એન્ડરસનના પ્રત્યાર્પણની માગણી કરાશે
ભોપાલ ગેસ દુર્ઘટનાના આરોપી વોરેન એન્ડરસનના પ્રત્યાર્પણ માટે અમેરિકાને સકારાત્મક વલણ અપનાવવા જણાવાશે તેમ વડાપ્રધાને કહ્યું હતું. જોકે જી-૨૦ બેઠક દરમિયાન ઓબામા સાથે યોજાયેલી બેઠક દરમિયાન તેમણે આ મુદ્દો નહોતો ઉઠાવ્યો. આ દુર્ઘટનામાં ખરેખર કોણ ગુનેગાર છે તે અંગે કોંગ્રેસ કે સરકારે શા માટે કોઈ સ્પષ્ટતા નથી કરી તેમ પૂછતા વડાપ્રધાને જવાબ આપ્યો હતો કે ‘વાસ્તવિકતા શું છે? અમે કંઈ જ છુપાવ્યું નથી.’
આર્થિક સદ્ધરતા માટે સુધારેલા પ્રયત્નોની જરૂર
વડાપ્રધાને જણાવ્યું હતું કે જી-૨૦ દેશોમાં સરકારના ખર્ચાઓ પર અંકુશ માટે ‘વન સાઈઝ ફીટ્સ ઓલ’નો અભિગમ ભૂલી આર્થિક સદ્ધરતા માટે પ્રયત્નો સુધારવાની જરૂર છે. જે દેશો આર્થિક સદ્ધરતા સાથે આગળ વધુ હશે તેમણે કોઈપણ પ્રકારના સમાધાન વગરની વૃદ્ધિ કરવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે ‘હું માનું છું કે વૃદ્ધિની વિચારધારા સાથે પ્રયત્નો કરવા જરૂરી છે.’
સરકાર શીખોની ચિંતા દૂર કરવા પ્રયત્નશીલ
વડાપ્રધાને સ્વીકાયું હતું કે ૧૯૮૪માં થયેલા શીખ વિરોધી રમખાણો મુદ્દે ભારતના કાયદાતંત્રની નબળાઈઓ જવાબદાર છે પરંતુ સરકાર આ મુદ્દે ઘણી ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે આ ગુનામાં દોષિતોને ચોક્કસપણે સજા થાય તે માટે સરકાર ચિંતિત છે. ભારતીય કાનૂની નબળાઈઓ આ માટે જવાબદાર હોઈ શકે છે. સંભવત: કેનેડાના કાનૂનમાં પણ અમુક ખોટ હોઈ શકે છે. સરકાર આ મુદ્દાનો હલ લાવવા પ્રયત્નશીલ છે.
પાક. સાથે સંબંધો : વિશ્વાસ ખરો પણ ખાતરી જરૂરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગૃહમંત્રાલય સ્તરની બેઠક બાદ વડાપ્રધાન મનમોહનસિંઘે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો વધુ મજબૂત બનશે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની વાત હોય તો તેમના પર વિશ્વાસ મૂકવો જોઈએ પરંતુ તે પહેલાં ભારતે એ પણ ખાતરી કરવી જોઈએ કે ભારત વિરોધી ત્રાસવાદી જુથોને તેમની સાથે કેવા સંબંધો છે.
પાકિસ્તાન સાથે સાવધાનીપૂર્વકનો અભિગમ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન સાથે સંબંધો અંગે સમય જ બધું કહી શકે છે. ગત અઠવાડિયે ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પાકિસ્તાનની મુલાકાતે હતા. તેમણે શું કહ્યું તે પણ બધાએ જાણવું જોઈએ. હું માનું છું કે બંને વચ્ચે સંબંધો સુધરવાની આશા જીવંત બની છે.