સાંપ્રતકાલિન આધુનિક જગતમાં ઘરઆંગણાની આર્થિકનીતિના આધારે જ દેશની વિદેશનીતિનો પાયો રહ્યો છે. એ નીતિએ વિકાસની ક્ષિતજિ પર ઊભા રહીને પારસ્પારિક સંબંધોનું ઘડતર અવલંબે છે. આજે વિકાસના વિસ્તરતા જગતના મહદઅંશના દરેક રાષ્ટ્રો અન્ય રાષ્ટ્રોના આક્રમક સ્વભાવને સ્વીકારતા નથી. એ નરી વાસ્તવિકતાએ આક્રમણ અને અતિક્રમણો દ્વારા સ્વતંત્ર મિજાજી રાષ્ટ્રો પરના આધીપત્યતાના ક્ષુલ્લક વિચારો ત્યજીને ભાવનાત્મકતાએ વિદેશનીતિની વ્યૂહરચનાએ આંતરિક અને વૈશ્વિક શાંતિમાં દેશના અર્થતંત્રના ભવિષ્યના આધારને સુદ્રઢ કરવામાં પ્રેરાયા છે. તેનું જીવંત ઉદાહરણ નિર્બળ ઇરાકના ગૃહયુદ્ધમાં અમેરિકાની સંડોવણીએ સશકત અમેરિકાનું કથળેલ અર્થતંત્ર છે.
-ઇરાક ગૃહયુદ્ધમાં હસ્તક્ષેપ કરીને આઠ વરસમાં અબજો ડોલરનો બોજ
-ઘરઆંગણાની આર્થિકનીતિના આધારે જ દેશની વિદેશનીતિનો પાયો
-અમેરિકાને ખબર છે પાકિસ્તાન તાલિબાનો માટે આશ્રયદાતા સ્વર્ગભૂમિ
અમેરિકાના નાગરિકોના પ્રચંડ વિરોધ વચ્ચે ઇરાક ગૃહયુદ્ધમાં હસ્તક્ષેપ કરીને આઠ વરસમાં અબજો ડોલરના બોજા સાથે સાડાચાર હજાર અમેરિકન યુવા સૈનિકોની શહીદી અને એક લાખ ઉપરાંતના ઇરાકી નાગરિકોની આહુતિના અંતે અમેરિકાએ ઇરાક છોડ્યું છે. ૨૦૧૧ના મે મહિનામાં પાકિસ્તાના આબોટાબાદમાં આતંકવાદી અજગર ઓસામા બિન લાદેનના ખાત્માએ વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચેના રાજદ્વારી સંબંધોની જાહેર થતી કટુતાથી આત્મીય દોસ્તીમાં તિરાડ આવી નથી. છેલ્લા એક દાયકાથી અફઘાનિસ્તાનમાં વ્યક્તિ સ્વાતંત્રય, સામાજિક સમાનતા અને સ્ત્રીઓ પ્રત્યેના ન્યાય અને આદરના અધ:પતનના મુખ્ય ત્રાસદાયી ઇસ્લામિક ધર્માંધ, પ્રવૃત્તિઓના મુખ્ય સૂત્રધારો તાલિબાનોએ બાનમાં લીધેલ શાંતિચાહક રાષ્ટ્ર અફઘાનિસ્તાનની મુક્તિ માટેની ‘નાટો’ સૈન્ય સાથેની અમેરિકી લશ્કરી કાર્યવાહીને ૨૦૧૪ની સાલ સુધી લંબાવવાની વિનંતીમાં પણ પાકિસ્તાનના ગર્ભિત ઇરાદાઓ વ્યક્ત થાય છે.
અમેરિકાને ખબર છે પાકિસ્તાન તાલિબાનો માટે આશ્રયદાતા સ્વર્ગભૂમિ છે. અફઘાન સંઘર્ષને બાહુબળે ઉકેલવા કરતાં તાલિબાનો સાથેના રાજદ્વારી સંવાદી માધ્યમની અસરકારતા પર ભાર મૂકતાં અમેરિકાને પાકિસ્તાનની મધ્યસ્થીની આવશ્યકતા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન લશ્કરી દળોને પાછા ખેંચવાની પ્રક્રિયા દરમિયાન તાલિબાનો દ્વારા ‘પિર્શયન ગલ્ફ’ના કતારમાં સ્થાપિત ‘રાજદ્વારી કચેરી’ દ્વારા અફઘાન સમસ્યાના ઉકેલ શોધવાના પ્રયત્નો થશે. રાજકીય સમીક્ષકોનું દ્રઢપણે માનવું છે કે આવતા બે વર્ષના ગાળામાં તાલિબાની ઇસ્લામિક ધર્માંધ લડાયક મિજાજી તાલિબાનોની મદદથી પાકિસ્તાન ભારત સામે બાંયો ચઢાવશે.
ઇરાક, અફઘાનિસ્તાન માટેના અમેરિકાના ગર્ભિત ઇરાદાઓથી ઇરાન વાકેફ છે. ઇરાનના અણુ કાર્યક્રમોની ઘેલછાથી ઇઝરાયેલ આવેલ ધ્રૂજારીથી કવચિત ઇરાન પરના આક્રમક વલણમાં પરોક્ષ રીતે અમેરિકાની સંડોવણી નિશ્વિત હોય છે. આથી સમસ્ત વિસ્તારની શાંતિ જોખમાવાની તીવ્ર શક્યતાઓને લક્ષમાં રાખીને અમેરિકાએ ઇરાન સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. તેના પ્રતિસાદમાં ઇરાનની સાંપ્રત સમયની રાજકીય વિચારધારાએ ઇરાનના પિર્શયન ગલ્ફના અતિ મહત્વના વ્યૂહાત્મક હોર્મુઝ જળ માર્ગને બંધ કરવાની ચિંતાપ્રેરક ધમકી આપી છે.
હોર્મુઝ જળમાર્ગ સાથે જોડાયેલ હિંદ મહાસાગર કિનારાના બહેરીન, કુર્વેત, કતાર અને સંયુક્ત આરબ અમિરાત અને અરબી સમુદ્ર પરના સાઉદી અરેબિયાના ચાલીસ ટકા ખનિજ તેલની અગ્રીમ નિકાસ પશ્ચિમના દેશો પહોંચે છે. જગતના છઠ્ઠા ભાગના ખનિજ તેલની નિકાસમાં ઇરાનના દૈનિક ૨૩ લાખ બેરલ ક્રુડ ઓઇલની નિકાસ ધરાવે છે. હોર્મુઝ જળમાર્ગના રાજકીય વિવાદથી પ્રેરિત સાઉદી અરેબિયા તેના ખનિજ તેલ ઉત્પાદનમાં વધારો કરીને વિશાળ તેલ મથકોના વિપુલ જથ્થો રાતા સમુદ્ર હેઠળના ભૂગર્ભ પાઇપલાઇનનો ઉપયોગ કરીને ઇરાન સામેનો રાજકીય દ્વેષન સંતોષવા તત્પર છે. અમેરિકા-ઇરાન વચ્ચેના ‘હોર્મુઝ’ વિવાદથી વૈશ્વિક અશાંતિમાં રાતા સમુદ્ર આસપાસના વિસ્તારોમાં વધતી સોમાલી ચાંચીયાગીરી વધુ ભયસૂચક સપાટીએ રહેલી છે.
૩૧મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇરાન સામેના રાજકીય પ્રતિબંધાત્મક નિયમો પર હસ્તાક્ષર કર્યો છે. જેથી દૈનિક ૨૦ લાખ બેરલના ખનિજ તેલના ઉત્પાદનના નિકાસથી વાર્ષિક આઠ બિલિયન અમેરિકન ડોલરની આવક પર નિર્ભર ઇરાન પર પડનાર પ્રતિકૂળ ગંભીર અસરકર્તા પ્રતિબંધાત્મક મુત્સદ્દીભર્યા વલણથી હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા અંગેની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અમેરિકાના સાંપ્રતકાલિન દીવાસ્વપ્નોમાં યુરોઝોનની આર્થિક કટોકટીમાં ઘર આંગણાની કથળેલ આર્થિક નીતિમાં ઇરાન સામેના પ્રતિબંધાત્મક વલણની કારગતતા અંગે પ્રશ્નાર્થ ઊભો છે. ઇરાનના કાળા સોનાના પ્રવાહને સ્થગિત કરવામાં યુરોપિયન સંઘના સહકારભર્યા વલણથી પાંચ ટકા અને વૈશ્વિકસ્તરના સાર્વત્રિક અનુમોદનથી ૪૧ ટકાનો ધરખમ ઘટાડાની અપેક્ષા સેવાઇ રહી છે.
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.