ગુજરાતમાં થાય છે બાળ મજૂરી, ધ્યાન આપે ભારત: અમેરિકા

-કપાસના ખેતરમાં થાય છે બાળકોનો ઉપયોગ
-ટાયર-ટુમાં આપ્યું ભારતને સ્થાન
અમેરિકાએ ભારતને સલાહ આપી છે કે, દેશમાં માનવ તસ્કરી-વિરૂદ્ધ એક સર્વગ્રાહી કાયદો ઘડી કાઢવામાં આવે. જેથી તમામ પ્રકારની માનવ તસ્કરીના આરોપીઓ સામે ખટલો માંડી શકાય અને તેમને સજા થઈ શકે. અમેરિકાના અહેવાલ પ્રમાણે, માનવ તસ્કરીને નાબુદ કરવાની દિશામાં ભારત દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે અને તે નોંધપાત્ર પણ છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ઈંટના ભઠ્ઠામાં, ચોખાની મીલોમાં, ખેતીમાં અને એમ્બ્રોડરીની ફેક્ટ્રીમાં વેઠિયા મજુરની પરંપરા જોવા મળે છે. અહીં કર્જ હેઠળ દબાયેલા બાળકો અને મહિલાઓ પાસે કામ કરાવવામાં આવે છે. તેમની સાથે મારઝૂડ કરવામાં આવે છે અને તેમનું જાતિય શોષણ પણ કરવામાં આવે છે. અખબારોમાં આવેલા અહેવાલો પ્રમાણે, '' ગુજરાતમાં હાઈબ્રીડ કપાસના ખેતરમાં બાળકો પાસે બળજબરી પૂર્વક મજૂરી કરાવવામાં આવે છે. ઉપરાંત તામિલનાડુની 'સુમંગલી' યોજનામાં પણ બળજબરીપૂર્વક મજુરી કરાવવામાં આવતી હોવાની વકી છે.''
સતત બીજા વર્ષે અમેરિકાના અહેવાલમાં ભારતને 'ટાયર-ટુ'માંમુકવામાં આવ્યું છે. આ દેશો 'ટ્રાફિકિંગ વિક્ટીમ્સ પ્રોટેક્શન એક્ટ'ના લઘુત્તમ ધોરણોને પૂર્ણપણે અનુસરતા નથી. પરંતુ તેના અનુસરણ માટે તેઓ પૂરતા પ્રયાસો કરી રહ્યાં છે. ગઈકાલે આ અહેવાલ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, '' ભારત એવો દેશ છે કે, જ્યાં મહિલાઓ-બાળકો અને પુરૂષો પાસે બળજબરીપૂર્વક મજૂરી કરાવવામાં આવે છે અને સેક્સના હેતુસર પણ તેમની તસ્કરી થાય છે. દેશમાં લાખો લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. ભારતમાં માનવ તસ્કરી મોટી સમસ્યા છે. ભારતમાં નેંવું ટકા માનવ તસ્કરી આંતરિક હોય છે. જ્યારે બાહ્યા તસ્કરીનું પ્રમાણ, દસ ટકા જેટલું છે. નીચલી જાતિના લોકો અને ગરીબો પાસે બળજબરી પૂર્વક મજૂરી કરાવવામાં આવે છે.''
ભારતમાં એવી પ્લેસમેન્ટ એજન્સીઓની સંખ્યા વધી રહી છે કે, જે નોકરી અપાવવાના બહાને બાળકો અને યુવકોને વેઠિયા મજૂર બનાવી દે છે અથવા તો દેહવ્યાપારના ધંધામાં ધકેલી દે છે. દેશના ધાર્મિક અને પ્રવસન સ્થળો પર યુવતિઓ અને છોકરીઓને દેહ વ્યાપાર માટે ધકેલી દેવામાં આવે છે. આ સ્થળો પર 'ચાઈલ્ડ સેક્સ ટુરિઝમ'ની પણ ભીતિ રહે છે.
અમેરિકાના વિદેશ વિભાગે સલાહ આપી છે કે, ભારતે સર્વગ્રાહી માનવ તસ્કરી વિરોધી કાયદો તૈયાર કરવાની જરૂર છે ઉપરાંત 2000 યુએન ટીઆઈપી પ્રોટોકોલની તર્જ પર ભારતે પણ કાયદો ઘડી કાઢવો જોઈએ. સાથે જ તેમાં પૂરતા પ્રમાણમાં દંડની જોગવાઈ કરવી જોઈએ.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







