-અમેરિકાએ બંકર-બસ્ટર બોમ્બ નામનો 13600 કિલોગ્રામ વજનનો બોમ્બ બનાવવાની તૈયારીઓ તેજ કરી
-અમેરિકાના પરંપરાગત બોમ્બ ઈરાનના ભૂમિગત પરમાણુ કારખાનાઓને ટાર્ગેટ બનાવવા અક્ષમ
-અમેરિકાએ અંદાજે 16 અબજ ડોલરના ખર્ચે આવા 20 બોમ્બ તૈયાર કર્યા
વોશિંગ્ટનઃ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની સખત નારાજગી છતાં પણ ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવ્યો છે. આ જોતા અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાગુ કરવા ઉપરાંત સીધી લડાઈની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ માટે અમેરિકાએ બંકર-બસ્ટર બોમ્બ નામનો 13600 કિલોગ્રામ વજનનો બોમ્બ બનાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે.
અમેરિકાએ ખાસ કરીને ઈરાનના ભૂમિગત પરમાણુ કેન્દ્રને ધ્યાનમાં રાખીને બંકર-બસ્ટર બોમ્બ બનાવવાની યોજના બનાવી છે. અમેરિકી અખબાર ‘વૉલસ્ટ્રીટ જર્નલ’એ અમેરિકાના અધિકારીઓને હવાલો આપીને પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમો પર હુમલો કરવાની વૈકલ્પિક યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
અમેરિકાએ આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે પેન્ટાગોનના સુરક્ષા નિષ્ણાંતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે અમેરિકાના પરંપરાગત બોમ્બ ઈરાનના ભૂમિગત પરમાણુ કારખાનાઓને ટાર્ગેટ બનાવવા અક્ષમ છે. અમેરિકાએ અંદાજે 16 અબજ ડોલરના ખર્ચે આવા 20 બોમ્બ તૈયાર કર્યા છે. જ્યારે પેન્ટાગોનને આ બોમ્બને વધારે ઘાતક બનાવવા માટે વધુ 4 અબજ ડોલરની જરૂરિયાત છે.