મેક્સિકોના તામાઓલિપસ પ્રાંતમાં એક ખેતરમાંથી 72 શબ મળી આવ્યા છે. જેમાં 78 પુરુષોના અને 14 મહિલાઓના છે.મેક્સિકોના નૌસેના સચિવાલય પાસેથી મળતી માહિતી અનુસાર સન ફર્નાન્ડો વિસ્તારમાં નૌસૈનિકો અને હથિયારધારી અપરાધીઓ વચ્ચે થયેલી અથડામણ બાદ અહીંયાથી 72 લાશો મળી આવી છે.આ અથડામણમાં એક નૌસૈનિક સિવાય અન્ય ત્રણ ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા છે.નૌસૈનિકોને ઘટના સ્થળ પરથી 21 રાઇફલ, 101 ગોળીઓ, 4 બુલેટપ્રુફ જેકેટ અને ચાર વાહનો મળી આવ્યા છે.
આ કત્લેઆમમાં એકમાત્ર લૂઇસ ફ્રેડી લાલા નામની વ્યક્તિ બચી છે, જેણે હોસ્પિટલમાંથી નિવેદન આપ્યું છે. તેણે સમગ્ર ઘટનાનો ચિતાર આપતા કહ્યું હતું કે આ આખી અથડામણ અમેરિકી સીમાથી 100 માઇલ દૂરના એક પછાત વિસ્તારમાં બની હતી.
આ ઈન્ટરવ્યુ દરમિયાન લાલાએ એમ પણ કહ્યું હતું કે તે એવા સમુદાયમાંથી છે જેમણે સેન્ટ્રલ અમેરિકાથી મેક્સિકોમાં રોજગારી માટે સ્થાળાંતર કર્યું છે. અહીંના હથિયારધારી માફિયાઓએ તેમની પાસે બળજબરી પૂર્વક ડ્રગ્સના વ્યવસાય માટે ખંડણી માગી હતી.જેની આ સ્થળાંતરિતોએ ના પાડતા તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.