ત્વચા સારી હશે તો તેના પર મેકઅપ પણ સારો લાગશે. આથી ત્વચાની જરૂરિયાતો સમજવી જરૂરી છે અને તેને સ્વસ્થ રાખવા માટે કેટલાક પ્રયત્નો પણ કરતાં રહેવું જોઈએ.
ઋતુમાં પરિવર્તન આવી રહ્યું છે અને સૂર્યનાં કિરણો પોતાનો પ્રકોપ બતાવવા લાગ્યા છે. દરેક ઋતુના હિસાબે ત્વચામાં પણ પરિવર્તન આવવા લાગે છે. શિયાળામાં ત્વચાને મોઈશ્વર વધુ જોઈતું હોય છે તો ઉનાળામાં તડકાથી બચવા માટે સનસ્ક્રીનની જરૂર પડે છે.
આ જ રીતે ખાણી-પીણીમાં પણ પરિવર્તન આવી જાય છે. ઋતુ અનુસાર ત્વચાની સંભાળ રાખવા માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ત્વચા રોગ નિષ્ણાત ડૉ. અનુરાગ તિવારી આ બાબત અંગે થોડો પ્રકાશ પાડી રહ્યા છે.
*પાણી પીવો, તાજા રહો
ત્વચા માટે પાણી સૌથી વધુ જરૂરી હોય છે. ઉનાળામાં તેની જરૂરિયાત વધી જાય છે. આથી સૌથી પહેલા જેટલું બની શકે એટલું પાણી પીવો. એક વખતમાં આખી બોટલ પાણી ન પી જવું, પરંતુ આખા દિવસમાં દર 10 મિનિટે ગળું ભીનું કરતાં રહેવું. ત્યાર બાદ ઋતુના શાકભાજી અને ફળનો ભરપૂર ઉપયોગ કરો. તેનાથી ત્વચાને જરૂરી વિટામિન, પ્રોટીન, ફાયબર મળતાં રહે છે.
હવે ગરમીને કારણે ભોજનથી માંડીને દરેક વસ્તુ ફ્રજિમાં મૂકવામાં આવશે. દરેક વસ્તુને ફ્ર્જમાંથી બહાર કાઢ્યા બાદ તુરંત ન ખાવી. પહેલા તેને સામાન્ય તાપમાનમાં ઠંડી થવા દેવી અને પછી ભોજનને ગરમ કરીને ખાવું. ફળોને પણ ફ્રજિમાંથી બહાર કાઢયાના થોડા સમય બાદ જ ખાવા.
*તણાવને દૂર ભગાડો
હવે સવારે વહેલા ઊઠવામાં જરા પણ આળસ ન કરવી જોઈએ. આથી સવાર-સવારમાં ફક્ત અડધો કલાક યોગ કરો, જેમાં ફેશિયલ યોગ મહત્વનો છે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે બીજી શરત એ છે કે તણાવથી દૂર રહો અને તેમાં ધ્યાન તમને મદદ કરશે.
ધ્યાનની મુદ્રામાં 10 મિનિટ જરૂર બેસો. તણાવ સમયથી પહેલાં ત્વચાને ખરાબ કરે છે. ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે.
*સપ્તાહમાં ત્રણ વખત
આમ તો દરેક ઋતુમાં વાળને અઠવાડિયામાં ત્રણ વખત ધોવા જોઈએ, પરંતુ ઉનાળામાં વાળની ખાસ સંભાળ લેવી જોઈએ. આથી એક દિવસ છોડીને બીજા દિવસે વાળ ધોવાની ટેવ પાડવી જોઈએ. વાળની ગંદકી સીધી ચહેરા પર દેખાઈ આવે છે.
પાણી વધુ ગરમ પણ ન હોવું જોઈએ કે વધુ ઠંડું પણ નહીં. આ ઉપરાંત શરીર પર એવો સાબુ કે ફેશવોશનો ઉપયોગ કરો જેનાથી મોઇશ્વરાઈઝિંગ ફેલાય. સૌથી સારી રીત એ છે કે જે પણ સાબુ કે ફેશવોશની ખરીદી કરી રહ્યા હો તેના પાછળ તેમાં ઉપયોગ કરાયેલી સામગ્રીને એક વખત જરૂર વાંચી લેવી. ઘરમાંથી બહાર નીકળો કે ના નીકળો, ચહેરા પર સનસ્ક્રીન સારી રીતે લગાવી રાખવું.
*...તો તુરંત જ ડોક્ટરની સલાહ લો
લોકો ખીલ, રેશેસ, લીસોટા વગેરે અંગે એવું વિચારે છે કે તે સારી ફેસ પ્રોડકટથી દૂર થઈ જશે. જો આ સમસ્યા વધુ સમય સુધી રહે તો તુરંત જ ડર્મેટોલોજિસ્ટની મુલાકાત લો. ડોક્ટર ત્વચાના પ્રકાર અનુસાર અલ્ફા અને બીટા હાઈડ્રોઓક્સી એસિડ પીલિંગ, માઈક્રો ટર્મઆઈબ્રેશન, લેઝર ફેશિયલ, લેઝર સ્કિન ટાઈટનિંગ, લેઝર પીલ્સ જેવી ટેક્નિકનો પ્રયોગ કરીને તમારા ચહેરાની સુંદરતા જાળવી રાખશે.
આ બધી જ ટેક્નિક સુરક્ષિત છે, તેની કોઈ જ આડઅસર નથી. ત્વચાને નિખારવા માટે વર્તમાનમાં દુનિયાભરમાં આ ટેક્નિકનો ઉપયોગ થઈ રહ્યો છે. ટીનએજર્સથી માંડીને બધી જ વયના લોકો આ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે.