તમે રોજિંદા જીવનમાં એવી પાંચ વસ્તુ બતાવશો કે જેનું નિયમિત પાલન કરવાથી લાંબે ગાળે સેક્સમાં મદદરૂપ થાય અને સ્વાસ્થ્ય પણ સારું રહે.
આનો ઉત્તર આપવો બહુ સહેલો નથી. તેમ છતાં હું આપવાની કોશિશ કરું છું. રોજ સવારે દાતણ કર્યા પછી તલનું તેલ મોઢામાં ભરી રાખવું. પ્રમાણ અડધી વાટકી જેટલું હોવું જોઈએ. આ લગભગ પાંચ મિનિટ મોઢામાં ભરી રાખવું જોઈએ. આનાથી તમારા મોઢાની કાંતિ જળવાઈ રહેશે. ચહેરો વધુ આકર્ષક અને તેજસ્વી બનશે. ચહેરો વધુ સુંદર લાગે તો પતિ-પત્ની વચ્ચે એક જાતનું આકર્ષણ વધી જાય, જે લાંબે ગાળે કામેચ્છામાં વધારો કરી શકે.
ત્યાર બાદ બીજી વસ્તુ તમે કરી શકો તે છે યોગ. વજ્રાસનમાં બેસી અનુલોમ, વિલોમ અને ભ્રમરી પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક થઈ શકે. વજ્રાસનમાં બેસવાથી પ્રાઈવેટ પાટ્ર્સમાં લોહી વધારે જશે, જેથી ગુપ્તાંગો વધુ લોહીના ભ્રમણના કારણે વધુ સક્રિય અને મજબૂત બની શકે. અનુલોમ-વિલોમ યોગ્ય રીતે કરવાથી શરીરના દરેક અવયવમાં ઓકિસજન પહોંચે છે અને પરિણામે એ ભાગ વધુ મજબૂત અને સક્રિય બને છે. ભ્રમરી પ્રાણાયામ કરવાથી ત્વરિત માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ઈન્દ્રિયના ઉત્થાનની તકલીફો લોહીના ઓછા ભ્રમણના કારણે થતી હોય છે અથવા તો માનસિક અશાંતિના કારણે થતી હોય છે. અનુલોમ-વિલોમથી રુધિરાભિસરણની ક્રિયા વધુ સારી થાય છે અને ભ્રમરી પ્રાણાયામ ચિંતા, તણાવ જે જાતીય જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે તેમાં નોંધપાત્ર રાહત મળે છે. વજ્રાસનમાં બેસીને આ ક્રિયા કરવાથી લાંબે ગાળે ઈન્દ્રિયમાં નામ પ્રમાણે વજ્રા જેવી તાકાત આવી શકે છે.
ત્રીજી વસ્તુ ખોરાક કેવી રીતે ખાવો? ખોરાક ચાવીને ખાવો બહુ જરૂરી છે, જેથી જઠરને કામ ઓછું કરવું પડે અને ખાધેલા ખોરાકનું સરળતાથી લોહીમાં રૂપાંતર થઈ શકે. ખોરાક વચ્ચે-વચ્ચે ન ખાવો પણ યોગ્ય ત્રણ-ચાર કલાકના અંતરે જ ખાવો, જેથી પાચનના અવયવોને યોગ્ય આરામ મળે અને જ્યારે ખોરાક આવે ત્યારે તેનું મજબૂતીથી પાચન પણ કરી શકે. ખોરાક ખાતી વખતે એક બાબતનો ખાસ ખ્યાલ રાખવો કે ખોરાકની સાથે અથવા ખોરાક પછી વધુ પડતું પાણી ન પીવું, કારણ કે વધુ પડતું પાણી પીવાથી જઠરના રસ ડાયલ્યુટ (મંદ પડી જાય છે) થઈ જાય છે, પરિણામે અપચો થાય છે. જે વાયુનું મૂળ કારણ બની શકે અને કબજિયાતને નોતરી શકે. આયુર્વેદ પ્રમાણે કબજિયાત કંઈક બીમારીઓનું ઉદ્ભવસ્થાન બની શકે છે.
ચોથી બાબત ખોરાકમાં નિયમિત એક ચમચી ગાયનું ઘી ખાવું અને અઠવાડિયામાં બે વખત અડદની દાળ લસણમાં વઘારવાળી ખાવી. અડદની દાળ પુરુષ હોર્મોન વધારે છે. લસણ અથવા હિંગમાં વઘાર કરવાથી તેનો વાયુનો ભાગ નાશ પામે છે. કુદરતી હોર્મોન્સ આ પ્રમાણે લેવામાં આવે તો પુરુષાતન લાંબો વખત સુધી ટકી રહેવાની શક્યતા રહે છે. ગાયનું ઘી જે ઉત્તમ રસાયન છે. રસાયન એટલે વૃદ્ધત્વને પાછું ઠેલે અને યુવાની ટકાવી રાખે છે. એટલે એકબીજા પ્રત્યેનું આકર્ષણ જે કામેચ્છામાં વધારો કરી શકે તે જળવાઈ રહે છે. ગાયનું ઘી કબજિયાતમાં પણ રાહત આપે, જે કોઈ વખત ઈન્દ્રિયના ઉત્થાનની સમસ્યામાં ભાગ ભજવી શકે છે. માનસિક શાંતિની સાથે સાથે ગાયના ઘીમાં કામશક્તિ અને વીર્ય વધારવાની અદ્ભુત તાકાત છે એટલા માટે જ મહર્ષિ ચરક ગાયના ઘીની ભલામણ કરે છે, ભેંસના ઘીની નહીં.
છેલ્લી બાબત રોજ સવારે નિયમિત મોટી હરડે (એક ફળ પંદર ગ્રામથી વધારે)નો અડધી ચમચી પાઉડર ગરમ પાણી સાથે લેવો અથવા ત્રિફળાનો પાઉડર ગરમ પાણી સાથે લેવો. હરડે રસાયન છે. આદત પાડ્યા વગર ખોરાક પચાવીને પેટ સાફ લાવે છે. બહેડાને સંસ્કૃતમાં વિભિચક (કે જેનાથી રોગ પણ બીએ છે) કહે છે અને આમળાં જે વાત-પિત્ત અને કફનું શમન કરે છે. જેના અસંતુલનના કારણે જ બધી બીમારીઓ થતી હોય છે. પછી તે નપુંસકતા હોય, સામાન્ય શરદી હોય કે જીવલેણ કેન્સર હોય. કોઈ વૈધ્યરાજે બહુ સાચું કહ્યું છે કે ‘દૂધથી વાળુ જે કરે, સવારે હરડે ખાય તે વ્યક્તિ વૈદના ઘેર કદીયે ન જાય.’