મમ્મી, વેલોસિટી સમજાવને!’ તમે ‘બડે અચ્છે લગતે હૈં’માં પ્રિયા અને રામની કેમિસ્ટ્રીમાં ગળાડૂબ હો ત્યાં દીકરા તરફથી ફિઝિકસનો આવો સવાલ ટપકી પડે તો કેવું લાગે? અથવા તો સચિન હવે ક્યારે સદી ફટકારીને વાતનો પાર લાવશે એની ચિંતામાં હો ત્યાં દીકરી ‘પપ્પા, કેલ્કયુલસમાં હેલ્પ કરો!’
એવી ગૂગલી ફેંકે તો?‘હવે એજ્યુકેશનમાં બધું બદલાઈ ગયું છે, કશું સમજાતું નથી.’ એવો બળાપો કાઢવાથી વાત પતે નહીં. સંતાનનું સારું ભવિષ્ય ઇચ્છતાં હોઇએ તો આપણે પણ વેલોસિટી ને કેલ્કયુલસ સમજવામાં એને મદદ કરવી પડે અને એ માટે પહેલા આપણે એ બધું સમજવું પડે. સવાલ એ છે કે કેવી રીતે?
અગાઉ અહીં આપણે ‘ફિઝિકસ અને મેથ્સ સમજાવતા સલમાન ખાન’ની ખાન એકેડેમી (www.khanacademy.org )ની વાત કરી હતી. વિશ્વભરની યુનિવર્સિટીઝનાં લેકચર સૌને માટે નિ:શુલ્ક સુલભ કરતી (www.academicearth.org ) વેબસાઇટની વાત પણ કરી ગયા છીએ. યાદ હોય તો યુટ્યૂબમાંથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને કામ લાગે એવા વીડિયોઝ અલગ તારવીને વિષય પ્રમાણે ગોઠવી આપતી (www.neok12.com ) સાઇટની પણ વાત કરી હતી.
આ બધી જ સાઇટ એક મુદ્દાની વાત તરફ આપણું ધ્યાન દોરે છે - ઇન્ટરટનેટ પર શીખવા જેવું ઘણું બધું છે, પણ એ બધું એટલું બધું સ્કેટર્ડ છે, વિખરાયેલું પડ્યું છે કે તેમાંથી ખરેખર કામનું શોધવામાં પાર વગરની મુશ્કેલી પડે છે. આગળ જે સાઇટ્સની વાત કરી એ બધી સાઇટ, આ જ મુશ્કેલીનો ઉપાય શોધી આપે છે.
આવી વધુ એક સાઇટ આ વર્ષે લોન્ચ થઈ છે, જેનું નામ છે www.sophia.org. સાઇટના એબાઉટ અસ સેકશનમાં લખ્યું છે તેમ, આ સાઇટ જુદા જુદા વિષયના વિદ્યાર્થીઓ, શિક્ષકો, નિષ્ણાતો અને વાલીઓને એકમેક સાથે સાંકળવાનું કામ કરે છે. આ બધા લોકો અને વેબસાઇટ બનાવનારી મૂળ કંપની સાથે મળીને આપણા પરંપરાગત વર્ગખંડોમાં જે કંઈ શીખવવામાં આવે છે તે બધું અને તેને લગતું બીજું ઘણું આ સાઇટ પર ઉપલબ્ધ કરે છે!
આખી વાતનું મૂળ એ વાતમાં છે કે જેમ ‘તારે ઝમીં પર’માં શ્રી શ્રી નિકુમ સર કહી ગયા છે તેમ એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ! માત્ર બાળક શા માટે, દરેક વ્યક્તિ અલગ-અનોખી હોય છે. કોઈ પણ વાત કે મુદ્દો શીખવા-શીખવવાની દરેકની આગવી રીત હોય છે. કલાસરૂમમાં એક જ વિષય બે જુદા જુદા શિક્ષક બિલકુલ જુદી જુદી રીતે શીખવી શકે છે અને સામે બેઠેલા વિદ્યાર્થીઓ વળી સાવ અલગ અલગ રીતે એને ગ્રહણ કરી શકે છે.
હવે શાળામાં તો એવું શક્ય નથી કે દરેક વિદ્યાર્થીની ખાસિયત પારખીને એને માટે સ્પેશિયલ ટીચરની વ્યવસ્થા કરવામાં આવે! એનો સરસ ઉપાય ઇન્ટરનેટ પરની આવી સાઇટ્સ આપે છે. અહીં જુદા જુદા વિષય જુદા જુદા અનેક લોકો, પોતપોતાની આગવી રીતે સમજાવે છે. તમને કોઈ એકની શૈલી ગમી ગઈ તો પછી એની આંગળી પકડી લો! એમને ફોલો કરો અને એમના જુદા જુદા લેખ જોતા રહો, સમજતા રહો. જેમ કે સોફિયા પર મેથ્સ-બેઝિક મેથ્સ વિભાગમાં પરસેન્ટેજની ગણતરી શીખવતો એક સરસ લેખ છે, કદાચ તમને ગમી જાય.
સોફિયા જેવી સાઇટ શીખવનાર અને શીખનાર બંનેને ઉપયોગી છે. સાઇટના હોમપેજ પર જ લખ્યું છે કે ‘ટીચ વ્હોટ યુ નો. લર્ન વ્હોટ યુ ડોન્ટ.’ આ પણ એક પ્રકારનું સોશિયલ નેટવર્કિંગ છે, ફ્રી છે અને જાતભાતની-ચિત્રવિચિત્ર એનિમેટેડ ક્લિપ્સ કરતાં કંઈક વિશેષ, ખરેખર વધુ રસપ્રદ અને વધુ ઉપયોગી એવું ઘણું બધું સુલભ બનાવે છે.
સોફિયા પર તમને એપ્લાઇડ સાયન્સ, ઇંગ્લિશ/ લિટરેચર, મેથ્સ, સાયન્સ, વિઝયુઅલ એન્ડ પર્ફોમિંગ આર્ટ્સ વગેરે વિષય પર રસપ્રદ માહિતી વાંચવા-જોવા-સમજવા મળી શકે છે.સોફિયામાં જુદા જુદા લેખને ‘લર્નિંગ પેકેટ્સ’ કહેવામાં આવે છે. તમે કોઈ વિષયના નિષ્ણાતો હો તો સાઇટ પર જોડાઈને કોઈ પણ વિષય પર ટેક્સ્ટ, સ્લાઇડ્સ, ઇમેજીસ કે વીડિયો ધરાવતા લર્નિંગ પેકેટ્સ તૈયાર કરી શકો છો. બીજાના લેખ અંગે અભિપ્રાય આપી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો, જવાબો આપી શકો છો.
તો સરવાળે વાત એટલી કે તમે ટીચર તરીકે કલાસમાં તમારા ટીચિંગને વધુ અસરકારક બનાવવા માગતા હો, માતાપિતા તરીકે સંતાનના અભ્યાસમાં ખરેખર મદદરૂપ થવા ઇચ્છતા હો કે વિદ્યાર્થી તરીકે કોઈ વિષયમાં માત્ર વધુ માર્ક નહીં, વધુ રસ કેળવવા માગતા હો તો આવી સાઇટ્સ જોવા જેવી છે. પછી, આ લેખ માટે આ વખતે આપ્યું છે એવા લલચાવતા શીર્ષકની જરૂર નહીં પડે!