ચિરાગને વારંવાર શરદી થતી અને તેને કારણે તાવ રહેતો. વિવિધ પ્રકારની દવા લેવા છતાં તેને ફાયદો થતો ન હતો. તેને કાને સાંભળવામાં પણ તકલીફ પડવા લાગી.
ચિરાગના વિવિધ રિપોર્ટ કરાવ્યા, પરંતુ બધું જ નોર્મલ હતું. તેને સંભળાતુ ન હતું અને સાયનુસાયટિસ પર આવેલો સોજો ઊતરતો જ ન હતો. ચિરાગને સુજોક સારવાર કરવામાં આવી. સુજોક સારવાર દરમિયાન ખ્યાલ આવ્યો કે ચિરાગને નાકની અંદરના ભાગે મસા થયા છે.
જેને કારણે કાનની શ્રવણશક્તિને મજબૂત કરતી કોકલીયર પર દબાણ આવવાને કારણે તેને સંભળાવાનું બંધ થઇ ગયું હતું. ચિરાગના મસાને કાઢવા માટે ખાવા-પીવાની રીતને બદલવાની સૂચના આપી. તેને કોઇ પણ પ્રકારનો ઠંડો કે વાસી ખોરાક ન લેવા કહેવામાં આવ્યું અને ગરમ પાણી વારંવાર પીવાનું કહેવામાં આવ્યું.
ખુલ્લી હવામાં જવાનું થાય તો કાન તથા નાકના કાણામાં પેટ્રોલિયમ જેલી લગાડી જવાનું સૂચન કર્યું. દિવસમાં ત્રણ વાર ચોખાના લોટમાં પાણી નાખી લઇ બનાવી નાકની આસપાસ, કપાળ તથા કાનની પાછળ લગાડવાનું કહેવામાં આવ્યું.
નાકની અંદર થતા મસા માટે ચિરાગનું નિદાન કરવામાં આવ્યું કે, કૃત્રિમ રંગવાળો અને મેદો જેમાં આવતો હોય તેવો ખોરાક લેવાથી તથા સતત થતી શરદીને નાની મોટી તકલીફ સમજી આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાથી આ તકલીફ થઇ છે.
તેની સારવારમાં તેને કોઇ પણ રંગવાળો બજારમાં મળતો ખોરાક ન ખાવો. ઘરનો ખૂબ ઓછી ચરબીવાળો અને પ્રોટીનવાળો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવી. નાક એવું અંગ છે જેના થકી શરીરમાં ઘણી અશુદ્ધિઓ પ્રવેશી શકે. તેથી તેને ખૂબ ભીડવાળી જગ્યાઓ પર ન જવાનું કહેવામાં આવ્યું.
ચિરાગની સારવાર બાદ બધી રીતે તેને ચકાસવામાં આવ્યો. તેને સાંભળવાનું સંપૂર્ણપણે સારું થઇ ગયું છે. તેને શરદી પણ થતી નથી. અહીં જે આકૃતિ દર્શાવવામાં આવી છે તે સારવારનો એક તબક્કો હોવાથી જાતે સારવાર ન કરવી.