મારી પત્નીને સિરિયલ્સનું ખૂબ જ વળગણ છે. ઘરનાં કામમાંથી નવરી પડે કે તે ટીવી સામે જ બેસી જાય છે. બીજું કંઈ નહીં તે સિરિયલ જ કરે છે. એકની એક સિરિયલ રિપીટ થતી હોય તો પણ તે આખેઆખી ફરી જોશે. તેની આવી વર્તણૂંકને લીધે ઘરમાં ઝઘડા થાય છે. સમાચાર કે મેચ જોવાં હોય તો પણ તે જોવા ન દે. મારે તેને આ સિરિયલ્સનાં વળગણમાંથી મુક્ત કરવી છે. દર્શક, સહારા દરવાજા
રસાકસી ભરી મેચ ચાલતી હોય અને એ વખતે જ જો હું તમને ટીવી જોવાની ના પાડું તો? બસ, અવી જ પરિસ્થિતિ હાલ તમારી પત્નીની છે. તમે તેને સિરિયલ્સ જોવાની ના પાડશો તો તેની ઇચ્છા વધુ પ્રબળ બનશે. બની શકે કે ઘરનું વાતાવરણ વધુ બગડી જાય. જો તમે તેમને ટીવી પરની સિરિયલ્સ જોવાની આદત છોડાવવા માગતા હો તો તમારે પહેલાં આનીથી વધુ રસપ્રદ વસ્તુ તરફ તેમને વાળવા પડે. સામાન્ય રીતે સ્ત્રીઓ બપોરે બાર વાગ્યા પછી ઘરમાં નવરી પડી જતી હોય છે અને સાંજે પાંચ-છ વાગ્યે ફરી તેમનું કામકાજ શરૂ થતું હોય છે એટલે આ વચ્ચેનો સમયગાળો સ્ત્રીઓ ટીવી જોવામાં પસાર કરે છે. મધ્યમ વર્ગની હાઉસ વાઇફ પાસે મનોરંજનનું આ એકમાત્ર સાધન છે. તમારી વાઇફને ટીવીથી દૂર કરવાં હોય તો પ્રથમ તમે તેનાથી વધુ સારી કોઈ પ્રવૃત્તિ શોધી કાઢો.
એ માટે તમે તેને પ્રોત્સાહન આપો. જો તેમનામાં ટેલન્ટ હશે તો એ પ્રવૃત્તિમાંથી પણ આગળ નીકળી જશે. રોકટોક કે ઘરમાં ઝઘડા કરવાથી આ વાતનો નિવેડો નહીં આવે. આ માટે તમારે તમારી વાઇફનું ધ્યાન બીજે દોરવું પડશે. તેને અહેસાસ કરવો પડશે કે સિરિયલ્સ કરતાં પણ વધુ રસપ્રદર ઘણું બધું છે આ દુનિયામાં. શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પણ ધીમે ધીમે મન એમાં ચોંટે એવું વાતાવરણ તમારે ઊભું કરવું પડશે.