પ્રશ્ન :મારી ઉંમર સોળ વર્ષ છે. મારા ચહેરા પર ખૂબ જ રુવાંટી છે. તે દૂર કરવા માટે અનેક ઉપાય અપનાવ્યા, પણ ફરીથી રુવાંટી આવી જાય છે. એવો કોઇ ઘરગથ્થુ ઉપાય બતાવશો, જેનાથી આ રુવાંટી દૂર થાય અને ત્વચાને હાનિ પણ ન પહોંચે?
ઉત્તર :તમારે ચહેરા પર ઉબટણ લગાવવાની જરૂર છે. ઉબટણ લગાવ્યા પછી તેને હળવા હાથે ઘસો અને પાણીથી ધોઇ નાખો. આનાથી ધીરે ધીરે વધારાની રુવાંટી દૂર થઇ જશે. તમે ઇચ્છો તો પાર્લરમાં જઇને થ્રેડિઁગ કરાવી શકો છો.
પ્રશ્ન :મારી ઉંમર ૩૬ વર્ષ છે. મારા ચહેરા પર અને ખાસ કરીને ગાલ પર ચકામાં થઇ ગયાં છે. થોડા દિવસ પછી મારા લગ્ન થવાના છે. શું આ ચકામાં મેકઅપ દ્વારા છુપાવી શકાય? તેના માટે કોઇ ઘરગથ્થુ ઉપાય હોય તો જણાવશો?
ઉત્તર :ચહેરા પરના ચકામાને કન્સીલર દ્વારા છુપાવી શકાય. આને ભીના સ્પોન્જથી ફાઉન્ડેશનની માફક લગાવવાનું હોય છે. ત્યાર બાદ મેકઅપ સેટ કરવા માટે લૂઝ પાઉડર લગાવો. ઘરગથ્થુ ઉપાય તરીકે ચકામાં આછા કરવા ઘઉંના લોટના ચળામણને દૂધમાં ભેળવી સ્ક્રબની માફક ચહેરા પર રોજ લગાવવાથી લાભ થશે.
પ્રશ્ન :હું સત્તર વર્ષની છું. મારા વાળ લાંબા અને જથ્થો પણ વધારે છે. મેં વાળની સારી કાળજી રહે તે માટે અનેક પ્રોડકટ્સનો ઉપયોગ કર્યો, પણ તેના લીધે મારા ચહેરા પર ખીલ થઇ જાય છે. આનો કંઇ કાયમી ઉકેલ ખરો?
ઉત્તર :તમારા વાળ લાંબા અને વાળનો જથ્થો વધારે હોવા છતાં તે શુષ્ક અને વાળમાં ખોડો હોય તેવું લાગે છે. તમે અઠવાડિયામાં એક વાર વાળમાં તેલ લગાવી પછી વાળ ધોવા માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. ખોડો દૂર કરવા માટે સરસિયામાં મધ અને દહીં ભેળવી તેને અડધો કલાક વાળમાં લગાવી રાખો. પછી વાળ ધોઇ લો. ખીલ ન થાય એ માટે ત્વચાની સફાઇ નિયમિત રીતે કરો.
પ્રશ્ન :હું વીસ વર્ષની છું. મારા હોઠ શ્યામ છે. તો મારે કેવા શેડની લિપસ્ટિક લગાવવી જોઇએ?
ઉત્તર :તમને પર્પલ શેડની લિપસ્ટિક સારી લાગશે. તે ઉપરાંત, બેરી અને પેલ રેડ શેડ પણ તમને સારા લાગશે. હોઠ વધારે કાળા ન લાગે તે માટે માત્ર લિપગ્લોસ લગાવી શકો.
પ્રશ્ન :મને નખ વધારવાનો શોખ છે અને મારા નખ સરસ વધે છે. શેપ પણ સારો છે. મારે નખ પર ટેટૂ કરાવવા છે. તો તે જાતે કરી શકાય કે કોઇ આર્ટિસ્ટ પાસે કરાવવા પડે?
ઉત્તર :નખ પર કરવામાં આવતી નેલ આર્ટ ઘણી શોખીન યુવતીઓ જાતે કરતી હોય છે, તો આવી નેલ આર્ટ બ્યૂટિ પાર્લરમાં અથવા ઘણી વાર આનો ખાસ કોર્સ કરીને પણ યુવતીઓ કરી આપે છે. તમે ઇચ્છો તો તમને ગમતી ડિઝાઈન તમારા નખ પર બનાવી શકો છો.
પ્રશ્ન :મારા દીકરાની ઉંમર હજી માત્ર બાવીસ વર્ષ છે. તેના મોટા ભાગના વાળ સફેદ થઇ ગયા છે. આનું શું કારણ? કોઇ ઉપાય ખરો?
ઉત્તર :તમે તમારા દીકરાના આહાર પર ખાસ ધ્યાન આપો. કોઇ ડોક્ટરની સલાહ લઇ જુઓ કે એના શરીરમાં કોઇ વિટામિન કે પ્રોટીનની ખામી તો નથી ને. બની શકે તો સરસિયામાં સૂકા આંબળા નાખીને તેને પંદર-વીસ દિવસ તડકામાં રાખો. ત્યાર બાદ આનાથી અઠવાડિયામાં બે વાર દીકરાના માથામાં માલશિ કરો. ચોક્કસ ફાયદો થશે.