Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Wellness
 

લાઇફ બિગિન્સ એટ સિક્સટી...

 
Source: Pahelu Sukh, Tiven marwah   |   Last Updated 2:38 PM [IST](17/11/2010)
 
 
 
 
 

બાળપણ અને જુવાનીમાં આદતો-શોખ, ટેવ શરૂ થાય છે જે મોટી ઉંમરમાં સજ્જડ રીતે સ્થાપિત થઇ જાય છે. જે દૂર કરવી લોઢાના ચણા ચાવવા જેવી હોય છે, પરંતુ તે સાવ અશક્ય તો નથી જ. આ રહ્યો દાખલો...


વજન વધવાની પ્રક્રિયા બાળપણથી શરૂ થઇ, જુવાનીમાં પરિપક્વ અને મોટી ઉંમરમાં પ્રસ્થાપિત થઇ જાય છે એટલે જ બાળપણ અને જુવાનીમાં થતી ઓબેસિટીને ‘એસ્ટાબ્લિશિંગ ઓબેસિટી’ કહેવામાં આવે છે. જ્યારે મોટી ઉંમરમાં થયેલી ઓબેસિટીને ‘એસ્ટાબ્લિશ્ડ ઓબેસિટી’ કહેવામાં આવે છે. બાળપણ અને જુવાનીમાં આદતો-શોખ, ટેવ શરૂ થાય છે જે મોટી ઉંમરમાં સજ્જડ રીતે સ્થાપિત થઇ જાય છે. તેને દૂર કરવી લોઢાના ચણા ચાવવા જેવી હોય છે. એટલે જ સંશોધનો પ્રમાણે પચ્ચીસ વર્ષ સુધીની ઉંમરમાં પચ્ચીસ ટકા સુધીના કેસમાં વજન ઉતારવું શક્ય હોય છે. ત્રીજા-ચોથા દાયકામાં વજન ઘટાડવાનું ફક્ત ૧૫ થી ૨૦ ટકા કેસમાં જ શક્ય થાય છે. તેની સાથે પચાસ વર્ષની ઉંમર પછી વજન ઘટાડવાની સફળતા ફક્ત એક-બે ટકા કેસમાં જ જોવા મળે છે.


હંસાબહેન તે જમાનામાં ગ્રેજ્યુએટ થયાં હતાં. અંગ્રેજીનું પણ સારું જ્ઞાન. જયંતીભાઇ સાથે લગ્ન થયા. સુરતમાં એક પછી અનેક બિઝનેસમાં જયંતીભાઇએ ઝંપલાવ્યું અને દરેક બિઝનેસમાં અભૂતપૂર્વ સફળતા મળવા લાગી. જયંતીભાઇનો બિઝનેસ દિવસે દિવસે ફૂલતો-ફાલતો રહ્યો, તેમ-તેમ તેમની સમૃદ્ધિ વધતી ગઇ. હંસાબહેન પણ એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં હતાં. ખાવા-પીવાનો, સુંદર વસ્ત્રો અને ઘરેણાંનો ખૂબ જ શોખ. હંસાબહેન ખાવાની સાથે ખવડાવવાનો પણ એટલો જ શોખ ધરાવતાં. અંગ્રેજીમાં કહેવત પ્રમાણે સ્વાદિષ્ટ વાનગી કોઇના પણ હૃદય સુધી પહોંચવાનો સૌથી સરળ અને ટૂંકો રસ્તો છે.


હંસાબહેનની સાથે-સાથે જયંતીભાઇ પણ ખાવા-પીવાના શોખીન હતા. અવાર-નવાર ઘેર અને બહાર પાર્ટીઓના પ્રોગ્રામ થતા. દરેક સિઝનની, દરેક પ્રદેશની વાનગીઓ આરોગવાનો તેમનો ગજબનો શોખ. ફ્રેશ જયુસ અને સુપથી શરૂ કરીને મુખવાસ સુધીની વિવિધતાઓ જાણવા અને માણવાનો આ યુગલનો ગજબનો શોખ હતો. આ વિશ્વમાં ઘણા લોકો જીવવા માટે જમતા હોય છે તો થોડાઘણા લોકો જમવા માટે જીવતા હોય છે. હંસાબહેન અને જયંતીભાઇ કદાચ બીજા વર્ગમાં સ્થાન ધરાવતા હતા.


ખાવા-પીવાવાળાને વળી કસરત-એક્સરસાઇઝ પ્રત્યેનો પ્રેમ ઓછો હોય છે. હંસાબહેનને ચાલવા અથવા એક્સરસાઇઝ પ્રત્યે મોટી સુગ હતી. જયંતીભાઇ તો કવચિત પણ વોકિંગ અથવા સ્વિમિંગ કરી લેતા પરંતુ હંસાબહેનના શબ્દકોશમાં કસરત શબ્દ કદાચ ભૂંસાઇ ગયો હતો.


આ શ્રીમંત જીવનશૈલીની અસર સ્વાસ્થ્ય ઉપર પડે તે સ્વાભાવિક જ હતું. બે બાળકોના જન્મ થયા પછી હંસાબહેનનું વજન એંસી કિલો સુધી પહોંચી ગયું હતું. પરંતુ તેમના આકર્ષક વ્યક્તિત્વમાં તેમનું ઓવરવેઇટ સરસ રીતે સંતાઇ ગયેલું હતું. ઉંમર વધવાની સાથે-સાથે વજન પણ વધતું ગયું. પચાસ અને સાઠ વર્ષની ઉંમરે આ વજન ૧૧૦ કિ.ગ્રા. સુધી પહોંચી ગયું. ઓવરવેઇટ અને પછી ઓબેઝ થયા છતાં હંસાબહેનની જીવનશૈલી અથવા ખાન-પાનના શોખમાં કોઇ કમી આવી ન હતી.


હંસાબહેનનું સ્વાસ્થ્ય આમ તો ઘણું સારું રહેતું હતું. ઓવરવેઇટ હોવા છતાંય બ્લડપ્રેશર અને ડાયાબીટિસ જેવી બીમારીઓ તેમનાથી દૂર હતી. કદાચ તેમના હસમુખો સ્વભાવ, તનાવમુક્ત જીવન તેમાં ખાસ મદદરૂપ હતા. હંસાબહેનના શરીરમાં જો કોઇ એક દુખતી નસ હતી તો એ તેમનાં ઢીંચણ. ઓવરવેઇટ, એક્સરસાઇઝનો અભાવ, લિફ્ટ, કારનો ઉપયોગ, એરકંડશિનવાળું જીવન, સૂર્યપ્રકાશની કમીને કારણે તેના સાંધાઓ તેમાંય ખાસ કરીને ઢીંચણના સાંધામાં ઘસારો ખૂબ વધી ગયો હતો. પાંસઠ વર્ષની ઉંમરે હંસાબહેન એક્સો પંદર કિલોગ્રામ વજન ધરાવતાં થઇ ગયાં અને તેમના ઢીંચણ સારા એવા ઘસાઇ ગયા. ધીમે-ધીમે આ પ્રક્રિયા વધતી ગઇ અને તેમને ચાર ડગલાં ભરવામાં પણ તકલીફ થવા લાગી.


હંસાબહેને તેમના મિત્રવૃંદમાં હસમુખા સ્વભાવ માટે જાણીતાં હતાં. ‘આજદિન સુધી મેં મારી જિંદગીમાં એક ગોળી લીધી નથી.’ એ કહેવતમાં હંસાબહેન ખૂબ ગૌરવ લેતાં હતાં. પરંતુ ઘૂંટણનો દુખાવો તેમના માટે એક શિરદર્દ બની ગયો હતો. શરૂઆતમાં તો દુખાવાની ગોળીઓ લઇને પાર્ટીઓ માણવામાં આવતી પરંતુ સમય જતાં આ ગોળીઓ એ પણ કામ કરવાનું બંધ કર્યું. ડોક્ટરને કન્સલ્ટ કરવું તે હંસાબહેનના વ્યક્તિત્વમાં ન હતું. આખરે હિંમત હારીને હંસાબહેન ઓર્થોપેડીક સર્જનને મળ્યાં. એક્સ-રે અને બીજા રિપોર્ટ જોઇને સર્જન ડોક્ટરે જોયું કે ઢીંચણનો ઘસારો તીવ્ર કક્ષાએ પહોંચેલો. તેથી ઢીંચણનો સાંધો બદલવાની સલાહ આથી.


પૈસાની તો કમી ન હતી. હંસાબહેન ધારે તો સ્વિત્ઝલેન્ડમાં પણ આ ઓપરેશન કરાવી શક્યાં હોત. પરંતુ ડોક્ટરની ચીમકી કે જો વજન નહીં ઊતારો તો આ ઓપરેશન સફળ નહીં થાય. ડોક્ટરસાહેબે પૂર્વ પ્રધાન મંત્રી બાજપાઇસાહેબના ડોક્ટર રાણાવત સાહેબની સલાહ દોહરાવી. બાજપાઇજીના ઢીંચણના ઓપરેશન પછી ડૉ.. રાણાવત સાહેબે તેમને વજન ઘટાડવાની સલાહ આપી હતી. જે બાજપાઇ સાહેબે થોડો સમય સુધી પાલન કરી. પરંતુ સમયની વ્યસ્તતાને લીધે પછી તેમનું વજન વધતું ગયું અને ઢીંચણની તકલીફો ફરી શરૂ થઇ ગઇ.


૬૫ વર્ષની ઉંમર, ૧૧૫ કિ.ગ્રા. વજન, આજીવન ખાણી-પીણીનો શોખ અને કસરતનો સદંતર અભાવ ધરાવતાં હંસાબહેન માટે વજન ઘટાડવું એ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢવા જેવું હતું. ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’. માણસ પ્રયત્ન કરે તો સફળતા તો મળે જ. વાનગીઓ, ઘરેણાં અને કપડાંનો શોખ ધરાવતાં હંસાબહેન અચાનક સ્વાસ્થ્ય સંબંધિત પુસ્તકો, વ્યાખ્યાનોમાં રસ લેવા લાગ્યાં. તેમણે શહેરના ચુનંદા ઓબેસિટી એક્સપર્ટ, ડાયેટિશિયન, યોગા એક્સપર્ટ તથા એક્સરસાઇઝ કોચનો સંપર્ક કર્યો. પોતાની જીવનશૈલીમાં રહેલી ત્રુટિઓની નોંધ કરી અને તેમને ઘટાડવા માટે ઉપયોગી યંત્રો, પુસ્તકો વસાવ્યાં. તેમના જીવનમાં આવેલું પરિવર્તન જોઇ સૌ પહેલાં તો તેમના સગાંવહાલાંઓને આશ્ચર્ય થતું અને ક્યારેક રમૂજ પણ કરતા.


પરંતુ હંસાબહેન તેમના અભિગમમાં મક્કમ હતાં. જયંતીભાઇ મજાકમાં કહેતા ‘હવે તો બંને દીકરાઓને પણ પરણાવી દીધા છે. તેમના ઘરે પણ બાળકો છે. હવે તને આ શું ભૂત વળગ્યું છે?’ હંસાબહેનનો જવાબ હતો, ‘મને ચાલવા માટે મારા પગની જરૂર છે નહીં કે મારા દીકરા અથવા વહુઓની.’ હંસાબહેનનો જવાબ સાંભળી જયંતીભાઇને તેમના પ્રયત્નમાં ગંભીરતા જણાઇ. હંસાબહેનના ‘વજન ઘટાડો, ઢીંચણ બચાવો’ અભિયાનમાં અનેરો સાથ અને સહકાર આપ્યો. ફ્રુટ જયુસના બદલે દૂધીનો રસ, પુરી-કચોરીના બદલે ફણગાવેલા મગ, પેસ્ટ્રી-કેકના બદલે સફરજન-કેળાંએ સ્થાન લીધું. એકલું ડાયેટિંગ આટલા પહાડ જેવા વજન ઉતારવા માટે સક્ષમ નહોતું. સાથે સાથે એક્સરસાઇઝની પણ જરૂર હતી.


ઘસાયેલાં ઢીંચણ સાથે કઇ એક્સરસાઇઝ થઇ શકે? હંસાબહેન પાંસઠ વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખવા લાગ્યાં. સ્વિમિંગ કરતાં બાળકો તેમનો ઠઠ્ઠા-મજાક કરતાં પરંતુ થોડા જ સમયમાં તે બાળકોનાં આદર્શ બની ગયાં. યોગ-પ્રાણાયામ દ્વારા માનસિક પ્રસન્નતા વધી અને ઊર્જા શક્તિ વધી. નક્કર પ્રયત્નોએ નક્કર પરિણામ આપ્યું. પહેલા બે મહિનામાં જ હંસાબહેનનું વજન ૧૦ કિ.ગ્રા. ઘટી ગયું. સફળતાએ હંસાબહેનના ઉત્સાહમાં અનેકગણો વધારો કર્યો. પછીના બે મહિનામાં તેમનું બીજું ૧૦ કિ.ગ્રા. વજન ઘટયું. ૯૦ કિ.ગ્રા. ઉપર પહોંચ્યો. ૬૫ વર્ષની ઉંમરે ૪૦ કિ.ગ્રા. વજન પોતાની મહેનતથી ઉતારનાર હંસાબહેન એક વિરલ દાખલો હતાં.


યુવાન વ્યક્તિઓને પણ અદેખાઇ થાય તેવી તેમની સિદ્ધિ હતી. હંસાબહેને હવે ચાર કિ.મી. ચાલવામાં પણ દુખાવાની ગોળીઓ લેવી પડતી ન હતી. ઓર્થોપેડિક સર્જને તેમનો રીવ્યું કરતાં કહ્યું, ‘હંસાબહેન, તમને આવનારા દસ વર્ષ સુધી ઢીંચણ બદલવાની જરૂર નહીં પડે.’ હંસાબહેન બદલાઇ ગયાં હતાં. તેમની જીવનશૈલી બદલાઇ ગઇ હતી.


તેમના જીવનમાં પાર્ટીઓ અને મિટિંગો તો ચાલતી રહી પરંતુ તેના એજેન્ડા બદલાઇ ગયા હતા. ‘લાઇફ બિગીન્સ એટ સિક્સટી’ શીર્ષક ઉપર તે વાર્તાલાપ આપતાં અને પોતાનાં સમવયસ્ક અથવા નાની ઉંમરની વ્યક્તિઓને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપતાં. સાઠ વટાવ્યા પછી પણ ટાયર્ડ અથવા રિટાયર્ડ નહીં થવું. પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવી બીમારીઓથી દૂર રહેવું. હંસાબહેન તેનું જીવંત ર્દષ્ટાંત છે.


પહેલું સુખ,ડૉ.. તિવેન મારવાહ (એન્ડોક્રાઇનોલોજિસ્ટ)


tiven.marwah@gmail.com


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.