કાતર સાથે દોડવું ખતરનાક છે, પરંતુ ટૂથબ્રશ સાથે દોડવું વધુ જોખમી હોઈ શકે છે. આ વાત તમારા માનવામાં ન આવતી હોય તો અકસ્માતે ટૂથબ્રશ ગળી ગયેલી ન્યૂઝીલેન્ડની એક કિશોરીને પૂછો.
ભારતીય મૂળના ડૉ. દિનેશ લાલ અનુસાર ૧૫ વર્ષીય છોકરી મોંમાં ૧૫ સેમીનું ટૂથબ્રશ રાખીને કેટલાંક પગથિયાં ચડી રહી હતી ત્યારે તે અચાનક લપસીને પડી હતી અને બ્રશનો મોટાભાગનો હિસ્સો તેના ગળામાં ઘૂસી ગયો હતો.
ઓકલેન્ડની હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે છોકરીને સારવાર માટે ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવી પડી હતી. આ કેસની વિગતો આપતા ડૉ. લાલે લખ્યું હતું, ‘તેનો શ્વાસ તરત રૂંધાવા લાગ્યો હતો અને તેનો નાનો ભાઈ તેની મદદે આવ્યો હતો.
ટૂથબ્રશનો એક ભાગ હજી તેના મોંમાં હતો, પરંતુ શ્વાસ લેવાતો ન હોવાથી તેને ખેંચી કઢાય તે પહેલાં તે ટૂથબ્રશ ગળી ગઈ હતી.’ છોકરીએ ડોક્ટરોને જણાવ્યું હતું કે તેને સારું લાગતું હતું, પરંતુ તેના પેટમાં ટૂથબ્રશ ફરતું હોય તેવું તે અનુભવી શકતી હતી.
એક્સ-રેમાં પણ ટૂથબ્રશ દેખાયું ન હતું, પરંતુ ડોક્ટરો તેના ગળામાં કેમેરા ઉતારીને ટૂથબ્રશને જોવામાં સફળ થયા હતા. તેઓએ મેડિકલ ફાંદાનો ઉપયોગ કરી ટૂથબ્રશના બ્રીશલવાળા છેડાને પકડ્યોહતો અને તેના મોંમાંથી આખા ટૂથબ્રશને બહાર કાઢયું હતું.
છોકરીને કોઈ આંતરિક ઈજા થઈ ન હતી અને છોકરી એ જ દિવસે ઘરે જઈ શકી હતી. ડૉ. લાલે ‘ન્યૂઝીલેન્ડ મેડિકલ જર્નલ’માં લખ્યું હતું, ‘મોંમાં ટૂથબ્રશ રાખીને ચાલવું કે દોડવું સંભવત: ખતરનાક છે.’