આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના કૌમાર્ય પર સવિશેષ ભાર મુકાય છે. લગ્ન સિવાયના અન્ય કારણોથી ખંડિત થયેલા કૌમાર્યવાળી સ્ત્રીઓને અનેક સામાજિક યાતનામાંથી પસાર થવું પડે છે. વિચિત્રતા એ છે કે પુરુષોના ચારિત્રય કે કૌમાર્ય અંગે ક્યારેય કોઇ સવાલ નથી ઉઠાવતું. આ ઘટનાનો કોઇ ચોક્કસ પુરાવો નથી મળતો. ચાદર પર લોહીના ડાઘ નથી મળતા કે નથી કોઇ પીડામાંથી પસાર થવું પડતું. યુવાનીમાં પ્રવેશવાની ક્રિયા સમજાવવી અટપટી છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઇએ તો કૌમાર્ય મુખ્યત્વે મહિલાઓને જ લાગુ પડતી બાબત છે કારણ કે મહિલાઓ માટે પોતાનું કૌમાર્ય ગુમાવવું એ પ્રત્યક્ષ રીતે સ્પર્શતી બાબત છે. પ્રથમ વાર શિશ્નના યોનિમાં પ્રવેશવાની ઘટના સાથે લોહી અને પીડા બંને સંકળાયેલાં છે. યોનિમાં પ્રથમ વાર શિશ્નપ્રવેશને લીધે યોનિના શરૂઆતના ભાગને ઢાંકતો તંતુઓનો બનેલો યોનપિટલ ફાટવાને લીધે તેમાંથી લોહી વહે છે અને પીડા થાય છે.
સ્ત્રીઓના યોનપિટલમાં ભારે તફાવત જોવા મળે છે. કેટલીક સ્ત્રીઓને તે લગભગ ન હોવા સમાન હોય છે. જ્યારે કેટલીક સ્ત્રીઓમાં તે એકદમ પાતળો, તો કેટલીકનો યોનપિટલ જાડો હોય છે. જેના ફાટવાથી તેમાં પુષ્કળ લોહી વહે છે. કેટલીક વાર રમતી વખતે પણ યોનપિટલ ફાટી જાય છે. ઉપરાંત કસરત કે અન્ય કોઇ કાર્ય વખતે પણ તે ફાટી જવાની શક્યતા રહે છે. આથી પ્રથમ સમાગમ વખતે સ્ત્રીના કૌમાર્યની સાબિતી માટે યોનિમાંથી લોહી નીકળે તે જરૂરી નથી. ચાદર પર લોહીના ટીપાં ન પડવા કે પ્રથમ સમાગમ દરમિયાન કોઇ પ્રકારની પીડા ન અનુભવવાનો અર્થ સ્ત્રીએ અગાઉ કોઇની સાથે શરીરસુખ માણ્યું છે તેવો નથી.
ઈતિહાસ તપાસો તો દુનિયાના લગભગ તમામ દેશોમાં લગ્ન વેળા મહિલાઓનું કૌમાર્ય અકબંધ હોવું વિશેષ મહત્વ ધરાવે છે. રે તન્નાહિલે પોતાના અદ્ભુત પુસ્તક ‘સેક્સ ઇન હિસ્ટ્રી’માં આનું એક રસપ્રદ ઉદાહરણ આપ્યું છે. જેમાં નવપરિણીત પુરુષો સુહાગરાત બાદ લોહીના ડાઘાવાળી ચાદરને જાહેરમાં દર્શાવી એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે તેમની પત્નીએ અગાઉ કોઇનું પડખું સેવ્યું નથી. યહૂદી કાયદા પ્રમાણે યુવતીના કૌમાર્યને લગ્ન પહેલાં ખંડિત કરનારના પિતાએ કન્યાના પિતાને આર્થિક વળતર ચૂકવવું પડતું. આને લીધે બનાવટી કુંવારિકાઓનો ઉદ્યોગ વિકસવા પામ્યો હતો.
જેમાં સ્ત્રીઓ પ્રથમ રાત્રિ દરમિયાન યોનિમાં લોહીમાં બોળેલું સ્પોન્જ મૂકી કૌમાર્ય અકબંધ હોવાનો દાવો કરતી કે યોનિના સ્નાયુઓને એકદમ ચુસ્ત બનાવી કુંવારિકા હોવાનો ડોળ કરતી હતી. આપણા દેશમાં મેં એવા અસંખ્ય કિસ્સાઓ જોયા છે કે જેમાં લગ્નની પ્રથમ રાત્રે સ્ત્રીની યોનિમાંથી લોહી ન નીકળવાને કારણે કેટલાય લગ્નો પ્રારંભમાં જ અંત સુધી પહોંચી જાય છે. ૧૯૫૦ના દાયકામાં અમેરિકામાં કેટલાક ગાયનેકોલોજિસ્ટ કૌમાર્ય ગુમાવી ચૂકેલી યુવતીઓના યોનિઓષ્ઠ પર ‘લવર્સ નોટ’ નામની નાની શસ્ત્રક્રિયા કરી આપતા. યુવતી પ્રથમ રાતે પતિ સાથે સંભોગ માણે ત્યારે આ ટાંકા તૂટી જતા. જેને કારણે નવું, બનાવટી કૌમાર્ય પામેલી યુવતીની યોનિમાંથી લોહી નીકળતું, જેના દ્વારા યુવતી પતિ સમક્ષ પોતે અન્ય કોઇ સાથે સહવાસ ન માણ્યો હોવાનું પુરવાર કરતી હતી.