‘મારી ઉંમર ૪૨ વર્ષની છે. મારા હમણાં જ એગેંજમેન્ટ થયા છે. એક મહિના પછી લગ્ન થવાનાં છે. મને ઈચ્છા થાય છે, પણ ઈન્દ્રિયમાં બરાબર ઉત્તેજના આવતી નથી. છેલ્લાં બે વર્ષથી લગભગ ૪૦ ટકા જેટલું શિશ્નોત્થાન થાય છે. બાળપણમાં હસ્તમૈથુનની કુટેવ હતી. મહિના પછી લગ્ન થવાનાં છે. હું લગ્ન કરી શકું?
લગ્ન કરવા કે ન કરવા તેનો નિર્ણય તમારે પોતે જ લેવાનો છે, કારણ કે લગ્ન તમે કરવાના છો, પણ ધારો કે તમારા જેવો પેશન્ટ મારી પાસે આવે અને મને એમ કહે કે ડોક્ટર મને ઈચ્છા થાય છે, પણ ઈન્દ્રિયમાં જોઈએ તેવું કડકપણું (૪૦ ટકા) નથી આવતું અને મારે સફળ સમાગમ કરવો છે તો તેવા પેશન્ટને હું વાયગ્રા વાપરવાની સલાહ આપી શકું. વાયગ્રા એ એવું ઔષધ છે કે જે ઈચ્છા વધારતી નથી, પણ આવેલી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો કરી શકે છે. એટલે કે તમારું ૪૦ ટકાનું ઈન્દ્રિયમાં આવેલું સખતપણું ૯૦ ટકા સુધી સહેલાઈથી લઈ જવાય અને પરિણામે તમે સફળ સમાગમ કરી શકો. આ દવા ભૂખ્યા પેટે લેવી વધુ હિતાવહ છે અને સમાગમના એક કલાક પહેલાં લેવી જોઈએ. આ દવા તમારા ડોક્ટરની સલાહ હેઠળ જ લેવી જોઈએ.
અલબત્ત વાયગ્રા એ પરમેનન્ટ ઈલાજ નથી, પણ ટેમ્પરરી જરૂર રાહત આપી શકે. તમારી પરિસ્થિતિ એવી છે કે તમે સગાઈ કરી નાખી છે અને લગ્ન માટે વધુ સમય નથી એટલે આ ગોળી તમને ટેમ્પરરી રાહત આપશે અને એવું બની શકે કે તમારે કદાચ આ ગોળી જિંદગીભર પણ લેવી પડે.આ ગોળી લીધા પછી ધારો કે તમારી પત્નીને બાળક અવતરે તો બાળકમાં પણ કોઈ વિકૃતિ આવવાની શક્યતા નથી. માત્ર તમારે તકલીફ એટલી જ કે જ્યારે પણ સમાગમ કરવાની ઈચ્છા થાય ત્યારે વાયગ્રા લેવી પડે.
નોંધ : તમારા ભૂતકાળમાં કરેલા હસ્તમૈથુનની વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ આડઅસર થવાની નથી, કારણ કે સમાગમ વખતે ઈન્દ્રિય જે ક્રિયા યોનિમાર્ગમાં કરે છે તે જ ક્રિયા હસ્તમૈથુન વખતે ઈન્દ્રિય મુઢ્ઢીમાં કરે છે. જેમ વધુ પડતા સમાગમથી કોઈ કમજોરી આવતી નથી તે પ્રમાણે વધુ પડતા હસ્તમૈથુનથી પણ કોઈ કમજોરી આવવાની શક્યતા નથી. હસ્તમૈથુન એ ટેવ છે, કુટેવ નથી.