બ્રિટિશ વિજ્ઞાનીઓએ બચેલા ભ્રૂણના સ્ટેમ કોષોમાંથી માનવ રક્તકણોનું સર્જન કર્યું છે. તેઓનો દાવો છે કે આ મોટી સફળતા મેડિકલ ટ્રાન્સફ્યુઝન માટે કૃત્રિમ ‘ઓ-નેગેટિવ’ લોહીના ઉત્પાદન માટેનો માર્ગ ટૂંક સમયમાં મોકળો કરશે.
ઓ-નેગેટિવ લોહીના વૈકલ્પિક સ્ત્રોત વિકસાવવાના ૩ અબજ પાઉન્ડના પ્રોજેક્ટના ભાગ રૂપે બચેલા આઈપીએફ ભ્રૂણના સ્ટેમ કોષોમાંથી લાલ રક્તકણોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓ-નેગેટિવ લોહી સાર્વત્રિક દાતા જુથ છે, જેને રીજેકશનના ભય વિના લોકોમાં ચડાવી શકાય છે.
એડિનબર્ગની સ્કોટશિ નેશનલ બ્લડ ટ્રાન્સફયુઝન સર્વિસના ડિરેક્ટર અને પ્રોજેક્ટના વડા પ્રોફેસર માર્ક ટર્નરે જણાવ્યું હતું કે ઔદ્યોગિક સ્તરે બનાવાયેલા કૃત્રિમ લોહીથી લોહીની તંગીની સમસ્યા અને લોહી આપનાર તથા લેનાર વચ્ચે નવા ચેપો ટ્રાન્સમિટ કરવાનું જોખમ દૂર થશે. તેમણે કહ્યું હતું, ‘ભ્રૂણના સ્ટેમ કોષોની લાઈન આરસી-૩થી અમે લાલ રક્તકણોનું સર્જન કરી શકીએ છીએ તે સિદ્ધાંત અમે સાબિત કર્યો છે.’