સેલ્ફ ઇમેજ બચાવવા વપરાતી ડિફેન્સ મિકેનિઝમ જો લાંબો સમય સુધી અને ખોટી રીતે વાપરવામાં આવે તો શારીરિક અને માનસિક બીમારી થઇ શકે છે.
‘ડિફેન્સ મિકેનિઝમ’ એ આપણા મન દ્વારા ઉત્પન્ન થતી એવી ટેકનિક છે કે જે રોજબરોજ ‘હકીકત’નો સામનો કરવામાં અને આપણી ‘સેલ્ફ ઇમેજપ્તને બચાવવામાં મદદ કરે છે. આ ડિફેન્સ મિકેનિઝમ જો લાંબો સમય સુધી અને ખોટી રીતે વાપરવામાં આવે તો શારીરિક કે માનસિક બીમારી થઇ શકે છે.
સામાન્ય રીતે આ ડિફેન્સ મિકેનિઝમ ‘ઇગો’ દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આપણે ઉદાહરણ દ્વારા અલગ અલગ ડિફેન્સ મિકેનિઝમ કેવી હોય તેનો અભ્યાસ કરીશું. દા.ત. તમને તમારા બોસ ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે. આ ગુસ્સો અલગ અલગ ડિફેન્સ દ્વારા કઇ રીતે વ્યક્ત થાય તે જોઇએ.
ડિનાયલ- તમે એ લાગણીનો સંપૂર્ણ અસ્વીકાર કરો. ‘મને તેના ઉપર જરા પણ ગુસ્સો નથી.’
રિએકશન ફોર્મેશન- લાગણીને તદ્દન વિરોધી રીતે રજૂ કરો. ‘તે ખરેખર મહાન છે.’
સપ્રેશન : તમારી લાગણીનો ખ્યાલ છે, છતાં તમે તેને છુપાવો છો. ‘હું તેની સાથે સારું વર્તન કરીશ.’
ડિસપ્લેસમેન્ટ - લાગણીને અન્ય તરફ વાળો છો. ‘તેની સેક્રેટરી ખૂબ ખરાબ છે.’ પ્રોજેકશન - તમે એવું વિચરો છો કે તમારી લાગણી અગત્યની છે. ‘તે બોસ મારો વિરોધી છે.’
મારો સહકર્મચારી મારા બોસનો કટ્ટર વિરોધી છે.’
રેશ્નલાઇઝેશન - પરિસ્થિતિને વાજબી ઠેરવવા તમે અલગ અલગ ખુલાસા કરો છો. ‘મારા બોસ મારા વિરોધી છે પણ તે હંમેશાં મારું સારું જ વિચારે છે.’
સબલિમેશન - સામાજિક રીતે અસ્વીકૃત વર્તનને સ્વીકૃત બનાવવું. ગુસ્સો આવે ત્યારે ‘હું કીક બોક્સિંગ કરું છું.’ અથવા ‘કવિતા લખું છું.’
રિપ્રેશન - ભૂતકાળના ખરાબ અનુભવોને તમારા જાગૃત મનથી દૂર રાખે. હકીકતમાં તે યાદ દૂર નથી થતી પરંતુ તેની અસર સતત તમારા વર્તન ઉપર રહે છે. દા.ત. બાળપણમાં જે વ્યક્તિની સાથે જાતીય સતામણી થઇ હોય તેને યુવાન વયે સંબંધો બાંધવામાં બહુ જ તકલીફ અનુભવાય છે.
કમ્પેન્સેશન - જો વ્યક્તિ એક જગ્યાએ ફેલ જાય તો તે અન્ય જગ્યાએ વધુ સફળતા મેળવી તેની નિષ્ફળતાને ઢાંકવાની કોશિશ કરે છે.
પેસિવ એગ્રેસન - બોસ તમારા ઉપર ગુસ્સો કરે છે પણ તમે તેના ઉપર ગુસ્સો વ્યક્ત નથી કરી શકતા, પરંતુ તમારો ગુસ્સો તમે તમારા કામ ઉપર ઉતારો છો.
એઇમ ઇન્હીબશિન - ક્યારેક વ્યક્તિ ધારી સફળતા ન મેળવી શકે તો તેના ધ્યેયને થોડું મોડિફાય કરી તેને લગતું કંઇક કરે છે. દા.ત. કોઇ વ્યક્તિ સ્પોર્ટ્સ પર્સન ન બનતા કોઇ રમતનો કોચ બની જાય છે.
અલટ્રુઇઝમ - વ્યક્તિ પોતાના આત્મસંતોષ માટે અન્યને મદદ કરી- સામાજિક સેવા કરી સંતોષ મેળવે છે.
અલગ અલગ પરિસ્થિતિમાં વપરાતી ‘ડિફેન્સ મિકેનિઝમ’ અલગ અલગ હોય છે. અમુક ડિફેન્સ મિકેનિઝમ નકારાત્મક લાગણી વ્યક્ત કરતી હોય છે તો અમુક આપણને ખૂબ જ મદદરૂપ થતી હોય છે. નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન કરતી ડિફેન્સ વારંવાર ઉપયોગ કરવાથી પર્સનાલિટીમાં અમુક કાયમી ફેરફાર અથવા તો માનસિક બીમારી થતી હોય છે.