ગર્ભધારણ માટે મહત્વના એવા શુક્રાણુના પ્રોટીનના દૂર કરતી ગોળી શોધાઈ
પરિવાર નિયોજનની જવાબદારી હવે માત્ર મહિલાઓના માથે જ નહિ રહે. કેમ કે, વિજ્ઞાનીઓએ મહિલાઓના ગર્ભનિરોધકના વિકલ્પ રૂપે પુરુષો માટે પણ આવી જ એક ગર્ભનિરોધક ગોળી બનાવી હોવાનો દાવો કર્યો છે. અત્યાર સુધી પુરુષો માટે આવી ગોળી તૈયાર કરવાના અનેક પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. ઘણા વર્ષોથી પુરુષો માટે ગર્ભનિરોધક ગોળી તૈયાર કરવામાં વિજ્ઞાનીઓ વ્યસ્ત હતા. જોકે, અગાઉ તૈયાર કરાયેલી આવી ગોળીમાં તેનો ઉપયોગ કરનારાઓને અરુચિ તેમજ યૌન ઇચ્છાઓ ઓછી થઇ જવી વગેરે ફરિયાદ ઊઠી હતી.
હવે ઇઝરાયેલના વિજ્ઞાનીઓની એક ટીમે શુક્રાણુઓના જૈવ રસાયણ મશીનરીને બ્લોક કરીને એક ગોળી બનાવી છે. વાસ્તવમાં આ ગોળીમાં એવી પદ્ધતિ અપનાવાઇ છે જેનાથી શુક્રાણુઓના મહત્વપૂર્ણ પ્રોટીનને દૂર કરી શકાય.
આ પ્રોટીન મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ગોળી ત્રણ મહિનામાં માત્ર એકવાર લેવાની હોય છે. જેના કારણે મહિલાઓ ગર્ભધારણ નથી કરી શકતી. તેમજ તેના ઉપયોગથી કોઇ આડઅસર થતી નથી.