ચાના રસિયાઓ માટે સારા સમાચાર છે. જે લોકો દિવસની શરૂઆત ચા સાથે કરતા હોય છે તેમને બીમારી થવાની સંભાવના ઓછી રહે છે.
દરરોજ ઓછામાં ઓછી ત્રણ કપ ચા હૃદય રોગ અને ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ઓછું કરી દે છે. પણ તેમાં શરત એટલી છે કે આ ચામાં દૂધ ન હોવું જોઈએ. અર્થાત તમારે બ્લેક ટી પીવી જોઈએ.
એક સંશોધન અનુસાર ત્રણ કપ ચા પીવાથી હૃદય સંબંધી તકલીફ થવાની સંભાવના ૧૦ ટકા ઓછી થઈ જાય છે. બ્રિટનના જાણીતા ન્યૂટ્રીશિયનિસ્ટ અને ચા સલાહકાર પેનલના સભ્ય ડૉ. કેરી રકસ્ટનના જણાવ્યા મુજબ બ્લેક ટીના લાભ અત્યાર સુધી જે જાહેર થયા છે તેના કરતાં ઘણા વધારે છે. તેમાં રહેલા એન્ટી ઓકિસડેન્ટ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
ચામાં એન્ટીજન હોય છે જે શરીરને જીવાણુ વિરોધી ક્ષમતા આપે છે. તો બીજી તરફ ચામાં દૂધ ભેળવવાથી તેમાં રહેલું પોષક તત્ત્વ નાશ પામે છે. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે દરરોજ ત્રણ કપ બ્લેક ટી પીનાર લોકો નાની-નાની બીમારીઓમાંથી બચી જઈ શકે છે.