આપણી સમજમાં અને સમાજમાં મોટા ભાગના લોકો પોતાના કોઇ પણ સારા કામ મુહૂર્ત-ગ્રહો અનુસાર કરે છે. લગ્ન અંગે તો સુશિક્ષિત લોકો પણ કુંડળી મેળવીને જ લગ્ન કરવાનું પસંદ કરે છે અને ઘણી વાર ઘર અને બીજું બધું જ સારું હોય છતાં કુંડળી અનુકૂળ ન હોય તો આગળ વધવાની હિંમત કરતા નથી.
મારા મિત્ર મનીષના લગ્ન લાંબી તપાસ, બે-ત્રણ સારા જયોતિષીની ગ્રીન ચેનલમાંથી પસાર થયા બાદ મનીષા સાથે ગોઠવાયાં. એરેન્જડ્ મેરેજ હતા. બંનેના ગુણાંક પણ લગભગ પચીસ-સત્તાવીસ જેવા મળતા હતા.
નક્ષત્ર, નાડી બધું જ બરાબર હતું, પરંતુ ગાડીના બે પૈડાંમાં ક્યારેક તકલીફ હતી. શરૂઆતનો સમય તો એકબીજાને ઓળખવામાં, એકબીજાને શું ગમે-શું ન ગમે તે જાણવામાં જવો જોઇએ, પણ અહીં તેનાથી વપિરીત જ હતું. હનીમૂન દરમિયાન જ બંનેના ઝઘડાની શરૂઆત થઇ ગઇ હતી. બંનેને લાગવા માંડ્યું હતું કે તેમની પસંદગી જુદી જુદી હતી. બંને થોડા જિદ્દી અને ઉગ્ર સ્વભાગના હતા.
આ ઝઘડાની સીધી અસર તેમની સેક્સ લાઇફ ઉપર પડતી હતી. બંનેએ લગ્ન પહેલાં હનીમૂન કેવી રીતે ઉજવીશું તે વિશે પોતપોતાની રીતે ઊંડો વિચાર કરેલો હતો. બંનેને શરીર વિશેની પૂરતી સમજણ પણ હતી, પરંતુ મન અશાંત હોવાને કારણે તેમનું હનીમૂન તેમના ઉપર એક બોજ સમાન હતું. હનીમૂન પરથી પાછા આવ્યા બાદ બંને વચ્ચે કોઇ પણ બાબતમાં ચકમક ઝરી જતી.
શરૂઆતમાં મા-બાપની આમન્યાને લીધે ઝઘડો બેડરૂમની દીવાલો વચ્ચે જ રહેતો, પરંતુ છ-આઠ મહિનામાં તે બેડરૂમમાંથી ડ્રોઇંગરૂમમાં અને એકાદ વર્ષમાં તો તે રોડ ઉપર આવી ગયો હતો. ક્યારેક બંને જણા ઝપાઝપી પણ કરી લેતા. તેમના મા-બાપ આ ઝઘડાથી તંગ આવી ગયા હતા. મનીષ અને મનીષાને થતું કે તેમણે તેમનું જીવન આવું જશે તેવું નહોતું ધાર્યું. સારું ચાલે ત્યારે જાણે કંઇ ન બન્યું હોય તેવું લાગે, પરંતુ આ સુખ એ ઝાંઝવાના જળ સમાન જ હતું.
આ કાયમના ઝઘડાને કારણે તેઓ તેમને મળતા એકાંતનો ઉપયોગ કરી શકતાં નહોતા. સારી રીતે દિવસો પસાર થતા હોય ત્યારે તેમની સેક્સ લાઇફ પણ ખૂબ સારી રહેતી, પરંતુ આવું મહિનામાં માંડ એક-બે વાર બનતું. આને લીધે બંનેમાં ચીડિયાપણું રહેતું, ક્યારેક મન ખૂબ હતાશ થઇ જાય.
ઝઘડા લોકોની શક્તિને ખોરવી નાખે છે. પુરુષ ઝઘડા પછી ઓફિસમાં કામ કે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી ન શકે. સ્ત્રી જો નોકરી કરતી હોય તો તેના કામ પર પણ અસર થાય. આમાં સૌથી વધારે સહન કરવાનું બાળકો અને ઘરના વડીલોના ભાગે આવતું હોય છે. ઘણી વાર તેઓ વગર કારણે તેમાં સંડોવાઇ જાય અને ગુસ્સાનો ભોગ બને છે.
જે કપલના જીવનમાં ઝઘડાઓનું પ્રમાણ વધારે હોય તેમણે બંનેએ નિષ્ણાતની સલાહ અનુસાર પોતાના સ્વભાવમાં થોડો ફેરફાર થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ. જેથી તેમની સેક્સલાઇફમાં સુધારો થશે અને જીવન સુખમય બની શકશે.