ત્રણ કલાક સુધી મશીન પર કામદારનો મૃતદેહ લટકતો રહ્યો
પિપરીયા સ્થિત અરોરા ફાયબર્સ કંપનીમાં રવિવારે રાત્રે એક કામદારનું મશીનમાં આવી જતા મોત થયું હતું.
સેલવાસના પિપરીયા સ્થિત ઔદ્યોગિક વિસ્તારમાં સનફાર્મા કંપની નજીક પોલીસ્ટર સ્ટેપલ ફાયબરનું ઉત્પાદન કરતી અરોરા ફાયબર્સ લી. કંપનીમાં કામ કરતો શ્રીકાંત રવિકાંત બારી (ઉ.વ.૪૦, રહે. ચંદ્રપાડા ઓરિસ્સા) કંપનીના બિલર મશીનમાંથી માલ કાઢવાનું કામ કરતો હતો. ત્યારે અચાનક એ મશીનમાં ફસાઇ ગયો હતો.
મશીનમાં માથુ અને જમણો હાથ ફસી જતા અન્ય કામદારોએ તાત્કાલિક મશીન બંધ કર્યું હતું. જેને લઇને શ્રીકાંતનો મૃતદેહ ૧૩ ફૂટ ઊંચા મશીન પર લટકતો રહ્યો હતો.
માહિતી મળવા છતાં પોલીસ સ્ટેશનથી માત્ર એક કિ.મી. દૂર પર પહોંચતા પોલીસને ત્રણ કલાક લાગી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા ભાજપના કાર્યકર્તાઓએ પણ કંપનીનો ગેટ બંધ કરી હંગામો કર્યો હતો. રાત્રે ૧૧.૫૦ કલાકે સેલવાસ પોલીસ સ્ટેશનના પીઆઇ હરીશ રાઠોડ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
કંપનીના મેનેજર ગોપુ નાયરને રાત્રે ૮.૪૫ ઘટનાની માહિતી મળી. બનાવ વખતે કંપનીમાં અમરજીત પાટીલ નામક વ્યક્તિ સુપરવાઇઝરનું કામ કરતો હતો. જો કે, ઘટના અંગે વધુ જાણકારી મળી શકી ન હતી.